Sunday, December 21, 2014

વેવિશાળ - સુશીલાના 'સુખ'ની સફર


            વર્ષો પહેલાં ગામડામાં થયેલી સમજણ અને સમજણે બંધાયેલો સંબંધ આગળ જતા બંને પક્ષે કેવી પરિસ્થિતિઓ નિર્માણ કરે છે એનું જીવંત વર્ણન એટલે 'વેવિશાળ'. સન ૧૯૩૮માં દર મંગળવારે 'ફૂલછાબ'માં શરૂ થયેલી  વાર્તા આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ઉત્કૃષ્ટ કૃતીઓમાંની એક! વેવિશાળની વાર્તાને મેઘાણીભાઈએ વિવાહ સુધી ખેંચી નથી. 'ઘા ભેગો ઘસરકો અને વેશવાળ ભેગા વિવા' કરવાની ઉતાવળ દાખવી  નથી. માટે વાર્તાની પ્રસ્તાવનામાં મેઘાણીભાઈએ લખવું પડ્યું, " વાર્તાની લખાવટમાં રસ લેનારાં ને કાગળો લખી ખૂબીઓ વખાણનારાં, પીઠ થાબડનારાં, ત્રુટિઓ તેમ ભયસ્થાનો બતાવનારાં નાનાં ને મોટાં, નિકટનાં ને દૂરનાં, સર્વે ભાઈબહેનોને આભારભાવે વંદન કરું છું. પણ તેમાનાં જેમને જેમને વારતા 'સમોરતં શુભ લગ્નં આરોગ્યં ક્ષેમં કલ્યાણં' કર્યા વગર અપૂર્ણ લાગે, તેમને એટલું યાદ આપું છું કે 'વેવિશાળ'ની વાર્તામાં લગ્નજીવન અને કચ્ચાંબચ્ચાંની પીંજણ મારાથી કલાના કાયદા મુજબ કરી શકાય."
            તમને એમ થતું હશે કે નવલકથા લોકજાણીતી છે, લોકોને ખબર છે તો એનાં વિશે લખવાનો ફાયદો શું? લોકજીભે ચઢેલી હોય તો ભલે હોય, પણ મેં તો પહેલી વાર વાંચી છે ને...મને ગમી એટલે મેં લખ્યું.... :)
            વેવિશાળની ખરી વ્યાખ્યા તો લેખકે વાર્તા પૂરી થવા આવે છે ત્યારે કરી છેઃ વેશવાળ કહો કે વિવા કહો, કાંઈ એક પુરુષ ને એક કન્યા વચ્ચે તો થોડાં હોય? કન્યા વરે છે ને પરણે છે - સાસરિયાંના આખા ઘરને, કુળને, કુ્ળદેવને. અરે, ઘરે બાંધેલ ગાયના ખીલાનેય. તેમ પુરુષ પણ પરણે છે કન્યાને, કન્યાનાં માવતરને, કન્યાનાં ભાંડરડાંને, કન્યાનાં સગાંવહાલાંને ને કન્યાનાં માવતરના આંગણાની લીલી લીંબડી-પીપળીનેય. પુરુષનો બાપ કાલોઘેલો હોય તોયે કન્યા એની અદબ કરે ને રોટલો ટીપી ખવરાવે. સ્ત્રીનો બાપ અણકમાઉ ને રખડી પડ્યો હોય તો જમાઈ એને ખંધોલે બેસારીને સંસારનાં વન પાર કરાવે.'
વાર્તાના પ્રકરણોના નામ પણ તમે કદી ન સાંભળ્યાં હોય એવાઃ 'પીલી જોઈએ', ખાલી પડેલું બિછાનું, બોલ્યુંચાલ્યું માફ કરજો, ઉલ્કાપાત, સાણસામાં સપડાયા, અનુકંપાની પહેલી સરવાણી, કજિયાનો કાયર, ભાભુનું લગ્નશાસ્ત્ર વગેરે...વેવિશાળના પાત્રો તમને પોતાના લાગે એવી સરસ રજૂઆત! વાર્તાનો નાયક સુખલાલ. સૂકાઈ ગયેલો, માયકાંગલો, કદરૂપો, તદ્દ્ન કંગાલ, રેઢિયાળ ઢોર જેવો ૨૨ વર્ષનો ગુજરાતના થોરવાડ ગામમાં રહેતો જુવાન! વાર્તાની નાયિકા સંતોકડી, જે મુંબઈમાં આવીને સુશીલા બની છે. ભણેલી-ગણેલી સારા કપડાં પહેરતી, નાજુક, નમણી, નામ પ્રમાણે સુશીલ અને સંસ્કારી! જો વેવિશાળ આગળ વધશે તો સંતોકડીમાંથી સુશીલા બનેલી કન્યા રોજેરોજ મારી લાયકાતનું માપ લેશે એવા વિચારોથી મૂંઝાતો સુખલાલ. પોતાનું વેવિશાળ જેની સાથે નક્કી થયું છે એને મોટર ચલાવનારો શોફર રોજેરોજ જોતો હશે, એવી ઈર્ષ્યા કરતો સુખલાલ. સામે પક્ષે સુખલાલ જેવા કદરૂપાને પણ પ્રેમથી સંભાળતી એક સ્ત્રીને જોઈને મનમાં માર ખાતી સુશીલા. વેવિશાળ થયાના વર્ષો પછી સુખલાલનું કુટુંબ થોરવાડમાં રહે છે પણ સુશીલાનો જૈન પરિવાર મુંબઈના સેન્ડહર્સ્ટ રોડમાં! સુખલાલના મા-બાપ ગરીબડી ગાય જેવા અને ભોળપણથી  ભરેલા નાના ભાંડરડાંમાં એક બેન અને એક ભાઈ. સુશીલાનો પરિવાર સુખી - બે શેઠ, મોટા શેઠ અને નાના શેઠ. મોટા શેઠના પત્ની ઘેલીબેન, પણ સંતાનવિહોણા. નાના શેઠને એક દીકરી. અને પોતાની પત્ની કરતાં ભાભી સાથે વધારે જામે. સુખલાલ અને સુશીલાનું સગપણ બેઉ કુટુંબો સમાન કક્ષા પર હતાં (એટલે કે સુખલાલના બાપ તેમ બેઉ શેઠ ભાઈઓ, વતનનાં ગામડાંમાં નાની હાટડીઓ રાખી કપાસ, ઘાસલેટ અને ગંધારું ઘી વેચતાં) ત્યાર વેળાનું થયેલું હતું. પણ સુખલાલના બાપ પોતાની માંદી પત્નીની સદાની સારવારમાં રોકાઈને ગામડે પડ્યા રહ્યા, ત્યારે વેવાઈ ભાઈઓ એક મુનિશીનું વચન ફાળ્યે વિલાયતી કાપડના ધંધામાં પડી મુંબઈ ખાતે મોટરવાળા બન્યા હતાં. બંને ભાઈઓએ કાળજાના કટકાંને મુંબઈમાં લાવીને ખૂબ ભણાવી. બસ, કારણે મોટા શેઠને મનમાં થતું કે આવી નમણી અને સંસ્કારી પુત્રીનું સગપણ પેલા સુખલાલની સાથે શી રીતે ચાલુ રાખવું? વાતને આગળ વધારવી પડે એટલે મોટા શેઠે સુખલાલના પિતાને ધમકીભર્યો પત્ર લખીને કહ્યું કે તમે સુખલાલને મુંબઈ નહીં મોકલો તો સગપણ ફોક ગણાશે. મોટા શેઠને સુશીલાને વિજયચંદ્ર સાથે પરણાવવી હતી. વિજયચંદ્ર એટલે વાર્તાનો વિલન! વિજયચંદ્ર સુઘડ, ટાપટીપ વાળો જુવાન હતો. છોકરીઓને અને એના પરિવારજનોને છેતરીને રૂપિયા કઢાવી પલાયન થવામાં હંમેશા વિજયી થતો. પણ ઘેલીબેનને અને સુશીલાને વિજયચંદ્ર દીઠોયે ગમતો હતોવાર્તાના બીજા બે મહત્વના પાત્રો એટલે 'નર્સ લીના' અને 'ખુશાલચંદ'. લીના એક ગોરી, જીવતા માણસના માંસ-ચાંમડાં ચૂંથનારી, મળમૂત્ર ધોનારી દવાખાનાની પરિચાલિકા (નર્સ). સુખલાલ ભલે દેખાવે કેવો પણ હોય, લીના એને 'સ્માર્ટી' કહીને બોલાવતી. સુશીલા જ્યારે પહેલી વાર હોસ્પિટલમાં લીનાને મળે છે ત્યારે સુખલાલ તરફ પોતાનો નિસ્વાર્થ પ્રેમ દર્શાવતી લીનાને જોઈને એના મનમાં થાય છે કે ભલે અજાણી, અર્ધદેશી, અર્ધગોરી, ઢેડડી, ગોવનીઝ નર્સ હોય પણ કેવી સારી રીતે સુખલાલને રાખે છે. ખુશાલચંદ વર્ષો પહેલાં ગામડેથી આવીને મુંબઈમાં વસેલો સુખલાલનો મિત્ર અને પરિવારજન સરખો હતો. વાસણોનો સૂંડલો લઈને મુંબઈની ચાલીએ-ચાલીએ મહોલ્લે-મહોલ્લે ફરીને કમાણી કરી લેતો. એના આધારે મુંબઈ આવેલા એના કાઠિયાવાડી ભાઈઓની સંભાળ પણ લેતો. કલકત્તા, મદ્રાસ વગેરે બાજુ જનારા દેશી ભાઈઓનો મુંબઈ ખાતેનો વિસામો હતો. સામાન પૅક કરાવીને નીચે ઉતારવાથી લઈ સ્ટેશને લગેજ કરાવવા સુધીનો સર્વ મહેમાનોનો માર્ગદર્શક હતો. એની કેળવણી, એના સંસ્કાર, એની તોછડાઈ અને એની રખાવટ ન્યારાં હતાં.
            આવા પાત્રોની વચ્ચે આકાર લઈ રહેલી વાર્તાના પ્રસંગો એક પછી એક એવા ગૂંથાઈ ગયેલા છે કે આપણને વાર્તા અધવચ્ચે મુકવાનું મન થાય. મેઘાણીભાઈએ વર્ણવેલા એકએક પ્રસંગ આપણી આંખ સામે ચિત્ર ઊભું કરી દેમુંબઈમાં વસેલા બંને શેઠની પેઢી, સુખલાલના પરિવારને લખાયેલો ધમકીભર્યો કાગળ, સુખલાલનું મુંબઈ આવવું અને શેઠના નોકરો સાથે કામ કરવું, કામ કરતી વખતે સુશીલા સાથેનું પહેલું મિલન, વધુ પડતા કામથી સુખલાલનું બિમાર થવું, બિમારીમાં નર્સ લીનાની સાચવણી, સુશીલાનું ચુપકે ચુપકે ઈસ્પિતાલમાં સુખલાલને મળવા જવું, સુખલાલની માંદગીના સમાચાર સાંભળી એના પિતાનું મુંબઈ આવવું, એમને શેઠનું ફસાવીને કાગળ પર સહી લઈ લેવી ( કાગળ એટલે સુખલાલનું પુરુષાતનનું સર્ટિફિકેટ), ખુશાલચંદને બધી વાતની જાણ થવી અને સુખલાલને પોતાની પાસે લઈ આવવો, સુખલાલનું બે પાંદડે થવું અને વિજયચંદ્રની છબી છતી થવી - બધું થયા પછી એક મહત્ત્વનો વળાંક આવે છે જેમાં ઘેલીબેન અને સુશીલા સુખલાલના ગામડે પહોંચે છે.... પછી વાર્તાનો આખો પવન બદલાઈ જાય છે. શહેરમાં રહેલી સુશીલા કઈ રીતે સુખલાલના પરિવાર સાથે મનથી સંબંધ બાંધી બેસે છે એનું શાનદાર વર્ણન મેઘાણીભાઈએ કરેલું છે.
            મેઘાણીભાઈએ વાર્તામાં દેશી શબ્દોની તો રમઝટ બોલાવી છેઃ ગોલો-પીટ્યો-રોયો (મોટી ઉંમરની ડોશીઓ આવા શબ્દો કોઈને ગાળ દેવા માટે વાપરતા), ઢીંચણીયું (જમતી વખતે ઢીંચણ નીચે રાખવામાં આવતી એક લાકડાની બનાવટ), ભાભુ (આજે  શબ્દ વિસરાઈને મોટા-મમ્મી શબ્દ વધુ વપરાય છે), માણસગંધીલી બાઈ (ચોખલિયાવેડા કરીને ફૂંકી-ફૂંકીને માણસો સાથે વાતો કરતી સ્ત્રી), બાલોશિયું (ઓશિકું), સવતંતર છોકરો (સ્વતંત્ર છોકરો), મેલ ને તડકે (કોઈ વસ્તુ તરફ ધ્યાન આપવાનું  બંધ કરવું), કાકલૂદી (આજીજી કે વિનંતી), ફલાણી-લોંકડી-ઢીકણી (વગેરે વગેરે), કટાસણું (આસનિયું), મીંઢી (કોઈની સામે હસે-બોલે નહીં એવી તોબરો ચડાવી રાખે એવી બાઈ), ઓતરાશ, લોહીઉકાળો આવા કંઈ કેટલા શબ્દો વાંચીને આપણી અંદરનો કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર ઝળકી ઊઠે. અને ગામડાનો દેશી માણસ કેવી રીતે જમે? સુખલાલના પિતા જ્યારે થોરવાડથી મુંબઈ વેવાઈને(??) ત્યાં મળવા જાય છે ત્યારે સુશીલા એમની ચીવટ પારખી લે છે. 'ગામડિયો જ્યારે ખાવા લાગ્યો ત્યારે એની ચીવટ નજરે પડી. એણે વધુ લાગ્યો તેટલો કંસાર કાઢી નાખ્યો. એની ખાવાની રીતમાં સંસ્કાર હતો. પહેલું તો ઉતાવળ કરીને નહોતો જમતો અને જોઈએ તેટલું માંગી લેતો હતો. ધીરજથી એણે કંસાર અને ઘી સારી પેઠે મસળ્યાં: મસળીને થાળીની એક બાજુ દાબો કર્યો. આખી થાળી સ્વચ્છ બની, ઘી આંહીતહીં રેલાયેલું રહ્યું. અથાણું પણ એટલી જુક્તિ અને જાળવણી રાખીને લીધું કે તેલનું ટીપું પણ આડેઅવળી રેલાયું.' વાર્તામાં કાઠિયાવાડી સંવાદો પણ કેવા? "હવે ઝાઝું મોણ ઘાલ મા ને, ડાહીલી!", "હાલો હાલો, ઠાલા સતની પૂંછડી શીદને થાવ છો?", "તમે તો ફુઆ, આદમી કે ચીભડું?" અને "ઝોંસટવું હોય તેટલું ઝોંસટીને પછી ત્રણ જણાં દીવાનખાનામાં આવો."
            આહાહાહા....કેવાં રૂપકો આપ્યાં છે મેઘાણીભાઈએ? સુશીલાનું કુટુંબ એને વિજયચંદ્ર સાથે પરણાવવાની તૈયારી કરે છે પણ સુશીલાને સુખલાલ સાથે લગ્ન કરવામાં કોઈ આપત્તિ નથી, છતાં પોતાના પરિવારને કંઈ કહી શકતી નથી. વાત વર્ણવતા લેખક કહે છે કે 'લાકડાંનાં તોતિંગ બીમને પણ કરકોલી શકનારો ભમરો પોતાને રાત્રિભર બંદીવાન બનાવનારા સૂરજમુખી પુષ્પની સુંવાળૅએ પાંદડીઓને શા માટે ભેદી શકે એવી હાલત સુશીલાની હતી. સુખલાલની બેન સૂરજને થોરવાડમાં 'ધાણીફૂટ' તાવ આવતો હોય અને એની માતા છેલ્લા શ્વાસો ગણતી હોય ત્યારે અચાનક સુશીલા ત્યાં પહોંચે અને ત્યારે સૂરજ માટે એના 'છુછીલા ભાભી' શબ્દરૂપિણી મટી જતાં દેહધારિણી બની જાય છે. થોરવાડમાં મા ખાટલે પડી છે અને બેન તાવમાં ધગધગે છે ત્યારે સુખલાલનો નાનો ભાઈ એને કપાળે પોતાં મૂકતો હતો ત્યારે જોઈને લેખકે લખ્યું છે કે 'સહાનુભૂતિનાં નીર, બળબળતા ચૈત્ર માસે પૃથ્વીમાંથી ફૂટતી નવી સરવાણી પેઠે, સુશીલાના અંતરમાં ફૂટતાં ગયાં.' પહેલી વાર કમાણી થયા પછી પોતાનો પગાર એના પિતાને મોકલવા પોસ્ટઑફિસે જ્યારે સુખલાલ થાય છે ત્યારે વાસણો ઉપાડીને એની પીઠ 'બાજોઠનો આકાર' ધારણ કરતી બતાવાઈ છે. માતાના દેહાંત પછી સુખલાલની આંખોને લેખકે 'વરસી ચૂકેલા મેઘ પછીનાં નેવાં' સાથે સરખાવી છે. સુશીલાના ભાભુનું લગ્નશાસ્ત્ર પણ ગજબનું! એમના મતે 'પરણવા માગનારની ખુવાર થઈ જવાની કેટલી તૈયારી છે? લગ્નનો લાડવો માત્ર પ્રેમના પાણીથી નથી વળતો - જોઈએ છે ખપી જવાની શક્તિનું પાકી તાવણનું ઘી.'
            વાર્તામાં લખાયેલાં બે કાગળ (પત્રો)ની નોંધ લેવી પડેઃ એક ધમકીભર્યો કાગળ જે મોટા શેઠે સુખલાલના પિતાને લખેલો અને બીજો ભોળપણભર્યો કાગળ જે સુખલાલની બેન સૂરજે સુશીલાને લખેલો. બાળપણમાં થયેલા સંબંધને ફોક કરવા હંમેશા તૈયાર રહેતા મોટા શેઠ સુખલાલના ઘરે ધમકીભર્યો પત્ર મોકલે છે - હવે જો સુખલાલને બહાર કાઢવો હોય તો આખરી ચેતવણી સમજજો. અમે કાંઈ દીકરીને વેચી નથી. અમારે પેટના છોરુને જાણીબૂજીને કૂવામાં નથી ધકેલવું. સુખલાલે જમાઈ રહેવું હશે તો લાયક બનવું પડશે. આંહીં આવીને ભણવું હશે તો ભણાવશું, ને ધંધો કરવો હોય તો દુકાનો ક્યાં ઓછી છે? બાકી તમે જો એમ સમજી બેઠા હો કે અમારી સુશીલા આકડી લાગેલ મધ છે, તો તમે ખાંડ ખાવ છો, શેઠ! તમારા થોરવાડ ગામના ધૂડિયા ખોરડામાં છાણાંના અને તલસરાંના ધુમાડા ફૂંકવા સારુ દીકરીને કોઈ ભણાવતું નથી, શેઠ! જેવો વિચાર હોય એવો લખી જણાવજો, એટલે અમે નાતને જાહેર કરી દઈએ!....બીજો કાગળ એકદમ દેશી ઢબે લખાયેલોઃ ઈશવર સદા સુખી રાખે મારાં માયાળું ભાભી સુશીલા. બા તમને બઉ સંભારે છે. અમે તમને બઉ સંભારી છીં. મળવાનું મન બઉ છે. બા કેવરાવે છે કે મરતાં પેલાં એક વાર મોં જોઉં તો અવગત નૈ થાય, પણ છેટાંની વાટ, મળાય ક્યાંથી. બાએ મળીએ તો આશિષ કેવારેલ છે. તમારે માટે ચોખ્ખા માવાના દૂધપેંડા મોકલેલ છે. તમારાં ભાભુનીને માતુશરીની સેવા કરજો ને ડાયાં થૈ રેજો. મળાય તો અપરાધ માફ કરજો. ધરમ નીમ કરજો. બા મળે તો બાની પાછળ મૈનાની સમાક્યુંનું પુન દેજો. વધુ શું લખાવું. તમારા દેરનું અને નણંદનું કાંડું તમને ભળાવું છું. તમારા સસરાએ જેવી મારી ચકરી કરે છે, તેવી ચાકરી તમારે હાથે પામજો. ભાભી, બાએ આટલું લખાવેલ છે. બાને તાવ ભરાઈ ગયો છે. ભાભી, મારા માટે એક-બે ચોપડિયું મોકલજો. હું બગાડીશ નૈ. તમે આવશો ત્યાં સુધી સાચવી રાખીશ. ભાભી, અમે તો તમને જોયાં નથી. કેવાં હશો. રોજ મને તમારું સપનું આવે છે, પણ સવારે પાછું મોઢું યાદ રે'તું નથી. ભાભી, તમે ચણિયા ઉપર ચોરસો પેરો છો કે સાડી પેરો છો, તે ચોક્કસ લખજો હોં. હું તો ચોરસો પેરું છું. એક નવો ચોરસો બાપા લઈ આવેલા તેના ઉપર એક છાપ હતી. તેમાં એક રૂપાળી બાયડી હતી. હું એને સુશીલા ભાભી કહું છું, ને મારી પેટીમાં રાખું છું. લીખતંગ તમારી નાની નણંદ સૂરજ.'
            આ સિવાય પોતાની પેઢીએ નોકરોને રવિવારની રજા આપવામાં અચકાતાં શેઠની માનસિકતા એવી કે રવિવારો પાળવાથી નોકરોનું અહિત વધે, તેઓ નાહક રઝળપાટ કરી બે-પાંચ રૂપિયા ભાંગી નાખે અને પાછું સોમવારે કામમાં ચિત્ત ચોંટે નહીં - મેઘાણીની દૂરદ્રષ્ટિના અહીં દર્શન થાય છે. ૧૯૩૮માં લખાયેલી વાત આજના જમાનાની પરિસ્થિતિનું તાદ્શ વર્ણન કરી જાય છે. એમણે કરેલું થોરવાડનું, વખતના મુંબઈનું, મુંબઈના લોકોનું, મુંબઈની ચાલીઓનું, હાફકાષ્ટ ખ્રિસ્તીઓના અને યુરાપિયનોના લત્તાનું વર્ણન પણ સચોટ છે. ગરીબ માણસોની બે કળા લેખકે ટાંકી છે - પોતાની અને સામા માણસની આબરૂ સાચવવા માટે જમ્યા વગરનો ધાર્યો ઓડકાર ખાવાની અને વગર ઊંઘે બગાસાં ખાઈને લપ્પી મુલાકાતીઓને ઝટપટ ઊભો કરવાની કળા! લેખકે ભાભુ અને મોટાશેઠનો પ્રેમ પણ ખૂબ ઝીણવટથી દર્શાવ્યો છે. નાન શેઠને એમના પત્ની કઈ રીતે વગોવે છે અને એનાથી કંટાળીને નાના શેઠની શી વલે થાય છે પણ મેઘાણીભાઈએ હુબહુ ઊભું કરેલું ચિત્ર છે. બાકી વાર્તાના પાત્રોને જીવંત કરીને વાચકને વિચારતા કરી મૂકે સાચો વાર્તાકાર કહેવાય! કથામાં ગુજરાતી સાહિત્યના પાયાની ખુશ્બુ, ગામેગામ ફરી વળેલા મેઘાણીના પગની રજ દેખાઈ આવે છે.....ઝવેરચંદ મેઘાણીની નવલકથા તમે વાંચી હોય તો વાંચવા વિનંતી....