Wednesday, December 25, 2013

કોઈ લૌટા દે મેરે બીતે હુએ દિન...



The Most Touching Lines about School Life are:
We come to school with a fear of not knowing anybody.......... but we go out with tears after knowing everybody.

આ ક્વોટ વાંચીને ખરેખર સ્કૂલની યાદ આવી ગઇ. બાળમંદિર હોય, ૧ થી ૯ ધોરણ હોય કે પછી એસ.એસ.સી બૉર્ડ - સ્કૂલની વાત આવે કે આપણને નૉસ્ટેલ્જીયા થઇ જાય. આજે સ્કૂલ છોડ્યે ૧૨ વર્ષ કરતાં પણ વધારે સમય થઇ ગયો છે. દરેક મિત્રો, સાથીદાર, બહેનપણીઓ પોતપોતાના કામમાં અને ગામમાં (કે બહારગામમાં) સેટલ થઇ ગયા છે. લોકોનું મળવાનું ઓછું અને 'ફેસબુક'વાનું અને 'વૉટ્સ-ઍપ'વાનું વધી ગયું છે. પણ શું કરીયે? આજે સમયની આ રેટ-રેસમાં આપણે ઉંદરડાની જેમ આમ થી તેમ ભાગવામાંથી ઊંચા આવતા નથી. વીકેન્ડમાં ફેમિલીને ટાઇમ આપવો જરૂરી છે. આ બ્લોગ લખવા પાછળનું કારણ છે, અંકિત શાહ! (ગયાં અઠવાડિયે ફેસબુક પર ચૅટ કરતી વખતે અંકિતે વાત કાઢી કે તું આપણી સ્કૂલ-લાઇફ પર એક બ્લોગ લખ ને...) તો આ લ્યો સ્કૂલ-લાઇફની યાદ અપાવતો મારો આ લેટેસ્ટ બ્લોગ. વાંચીને મારી જેમ નૉસ્ટેલ્જીયાના રોગી બની જાઓ.
સ્કૂલ એટલે આપણી માટે 'સરદાર વલ્લભભાઇ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય' અથવા શૉર્ટમાં 'એસ.વી.પી'. એમાંય પાછા બે ભાગ - નાની એસ.વી.પી અને મોટી એસ.વી.પી. આજે તો આ બંને એક બિલ્ડીંગમાં આવી ગઇ છે પણ આપણા વખતે બંને અલગ અલગ રોડ પર અને અલગ અલગ બિલ્ડીંગમાં હતી. નાની સ્કૂલ હતી ભોગીલાલ ફડિયા રોડ પર (જ્યાં આજે રેઇન્બૉ કિડ્સ નામની નર્સરી સ્કૂલ છે) અને મોટી સ્કૂલ હતી શાંતિલાલ મોદી રોડ પર (જ્યાં આજે કે.ઇ.એસ. શ્રોફ કૉલેજ છે). એ વખતે કાંદિવલીમાં ગુજરાતી મિડિયમમાં બહુ ઓછી સ્કૂલ ફેમસ હતી - એસ.વી.પી., બાલભારતી, પૂર્ણિમા (શેઠ સી.વી.દાણી હાઇસ્કૂલ), અડુકિયા અને દેવજી ભિમજી. રસ્તામાં જો એસ.વી.પી.નો એક વિદ્યાર્થી અને બાલભારતીનો એક વિદ્યાર્થી એકબીજાને જોઇ જાય તો ચિડાવ્યા વગર રહે નહીં - એક કહેશે 'સડેલા વડા-પાવ' તો બીજો કહેશે 'બળેલી ભાખરી'. આપણને એમ થાય કે આ લોકોને 'ગોલીયોં કી રાસલીલા - રામલીલા' ફિલ્મમાં રજાડી અને સનેડા લોકો વચ્ચે હોય એવા બાપના માર્યા વેર લાગે છે.
(Metal badge for S.V.P.V.V. which was always near to heart because it was put on the left side of the shirt)
નાની સ્કૂલના સંસ્મરણો સાવ જુદા પ્રકારના - સૌ પહેલાં તો નાની શ્રેણી અને મોટી શ્રેણીમાં ભણતી વખતે 'બા મેં તો બાગમાં બાંધી નિશાળ, ભણવાને આવે છે ચકલીઓ ચાર', 'જાડો પાડો હાથી, સૂંઢમાં લાવે પાણી', 'એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી' કે પછી 'આવ રે વરસાદ, ઢેબરિયો પરસાદ' જેવાં જોડકણાની મજા માણી. તે વખતે તો ઘરેથી ખાલી ડબ્બો લઇ જતાં, જેમાં સ્કૂલમાંથી જ નાસ્તો આપવામાં આવતો. નાની સ્કૂલની કેન્ટીનમાં ખૂંધવાળા ભાઇ (માફ કરજો, મને એમનું નામ યાદ નથી)ના ચટણી-પાવ ખાવાનો એક અનેરો આનંદ હતો. ધોરણ ૧ થી ૪ નાની સ્કૂલમાં ભણાવવામાં આવતાં.
ગુજરાતી મિડિયમમાં હતા એટલે ક્લાસના નામ પણ એવાં - અ, બ, ક, ડ, ઈ, ફ! મોટી સ્કૂલમાં ', , , , અને ' ને બદલે ', બી, સી, ડી, અને એફ' માં પ્રમોશન થઈ જાય. ટેકનીકલ માટે એસ.વી.પી. સ્કૂલ એકદમ ફેમસ હતી. એનાં માટે એક સ્પેશીયલ ક્લાસ "એમ" હતો. ટેકનીકલનો તો "ટી" હોવો જોઈએ, તો પછી "એમ"શા માટે રાખવામાં આવ્યો હશે? પણ પછી ખબર પડી કે "એમ" એટલે મસ્તીખોર ક્લાસ!
એસ.વી.પી.નો યુનિફોર્મ બ્લુ એન્ડ વ્હાઈટ. વ્હાઈટ કલરનો શર્ટ અને બ્લુ કલરની ચડ્ડી કે પેન્ટ. છોકરીઓ માટે બ્લુ-વ્હાઈટ ચેક્સ વાળું પિનાફોર્મ અને વ્હાઈટ શર્ટ. એ સમયે ધોરણ-૭ સુધી છોકરાઓએ ચડ્ડી પહેરવાની. અત્યારે તો બાળમંદિરમાં જતાં નાના ટેણિયા પણ ચડ્ડી પહેરતાં શરમાય છે. જ્યારે ધોરણ-૮ થી પેન્ટ પહેરવામાં આવતી તો છોકરાઓને પોરસ ચડતી. પોતાને રજનીકાંત સમજીને રુઆબ કરતાં. તે વખતે છોકરીઓને ઘૂંટણની નીચે સુધી પહોંચે એવા લાંબા પિનાફોર્મ પહેરવાના. આજે તો છોકરીઓના સ્કર્ટ ઘૂંટણની નીચે જવાની બદલે ઉપર ને ઉપર જતાં જાય છે! આવા બ્લુ-ઍન્ડ-વ્હાઈટ કપડાં ત્યારે એકદમ ડલ લાગતાં પણ આજે બ્લેક-ઍન્ડ-વ્હાઈટ ફ્લેશબૅકમાં એ પણ રંગીન લાગે છે.
સ્કૂલમાં જવા માટે થોડાં લેટ થાઓ તો પ્રાર્થના ચાલુ હોય ત્યાં સુધી ગેટ પર ઊભા રહેવાનું. પહેલો પિરિયડ શરૂ થાય પહેલાં 'વંદે માતરમ્' અને છેલ્લા પિરિયડ પછી ઘરે જવા પહેલાં 'જન-ગણ-મન્' ગાવામાં આવતું. જ્યારે પણ પ્રતિજ્ઞા બોલાતી ત્યારે એની બીજી લાઈન કોઈ બોલતું નહીં. હતી - "બધાં ભારતીયો મારા ભાઈ-બહેન છે". પણ બરાબર છે, કદાચ વાત સાચી પડી જાય તો અમે લગ્ન કોની સાથે કરત? ફોરેનર લાવવી પડત. મોટી સ્કૂલમાં રીસેશ પડવાની તૈયારી હોય ત્યારે સમોસાની અપ્રતિમ સુગંધથી આખી બિલ્ડીંગ મઘમઘી ઊઠતી. એ સુગંધ આવે એટલે દરેક જણ ક્લાસમાં ઊંચૂં-નીચૂં થવા માંડે.
સ્કૂલમાં કેવી કેવી શિક્ષા થતી? બેંચ પર ઊભા રહેવાનું, હાથ ઉપર કરીને ઊભા રહેવાનું, પગના અંગૂઠા પકડવાના, ક્લાસની બહાર જઈને ઊભા રહેવાનું, ક્લાસમાં ચાલુ પિરીયડમાં વાતો કરતાં પકડાઈ જાઓ તો મોનિટર બૉર્ડના ખૂણામાં તમારું નામ લખે. અને આ બધી શિક્ષા થવાના કારણો પણ કેવાં? માથામાં તેલ ન નાખ્યું હોય, કેનવાસના બૂટ ન પહેર્યા હોય, નખ વધેલાં હોય, હોમ-વર્ક ન કરેલું હોય, ક્લાસમાં વાતો કરતાં હોય, સ્કૂલનો બિલ્લો ન પહેર્યો હોય વગેરે વગેરે વગેરે...
છોકરા-છોકરી સાથે ભણતા હોય અને આકર્ષણ અને 'સો-કૉલ્ડ લવ'ના ધડાકા-ભડાકા થાય એવું બને? તો પછી સ્કૂલ વાતમાં કેમ અપવાદ બને? અરે મોટાભાઈ સ્કૂલના સેટિંગ તો એકદમ અલગ. '' ક્લાસનું સેટિંગ 'સી' ક્લાસમાં અને 'ડી' ક્લાસનું 'એમ' ક્લાસમાં. કેટલાક 'લવ એટ ફર્સ્ટ સાઈટ'ના ઉદાહરણો તો કેટલાક ચિડાવી-ચિડાવીને ભેગાં થયેલાં પ્રેમી-પંખીડા. બધાં સેટિંગ કાં તો રીસેશમાં અને કાં તો સ્કૂલ છૂટ્યા પછી પણ મળે ખરાં! વખતે મોબાઈલ જેવાં રમકડાં હતાં તો પછી સેટિંગ થાય કેવી રીતે? અરે, મિત્રો અને બહેનપણીઓ ક્યારે કામ આવે? ફ્રેન્ડ-ફ્રેન્ડ કરતાં ગર્લ-ફ્રેન્ડ અને બૉય-ફ્રેન્ડ બની જતાં વાર લાગે! મોસ્ટલી સ્કૂલના બધાં સેટિંગ પિકનિકમાં વધારે ફૂલે-ફાલે. એક તો સ્કૂલની ટ્રીપ હંમેશા એસ્સેલ-વર્લ્ડ જાય એટલે સસ્તું ભાડું અને સિધ્ધપુરની જાત્રા! પણ એક વાત સાચી કે આંગળીના ટેરવે ગણી શકાય એવાં કેટલાંક સીરીયસ પ્રકારના સેટિંગ આજે પણ સાથે છે. બાકી તો ટાઈમપાસ સેટિંગ આજે અરેંજ-મેરેજ કરીને બાઈડી-છોકરાવાળા થઈ ગયા છે.
ગુજરાતી, બીજગણિત (અલ્જેબ્રા), ભૂમિતિ (જ્યોમેટ્રી), વિજ્ઞાન -, સમાજશાસ્ત્ર (ઈતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, અર્થશાસ્ત્ર), અંગ્રેજી, હિન્દી, મરાઠી સિવાય સંગીત, ચિત્રકલા, પી.ટી., વેલ્યુ એજ્યુકેશન (મૂલ્યશિક્ષણ) અને કોમ્પ્યુટર જેવાં વિષયો પણ શિખવાડવામાં આવતાં. મટાણીબેનની ગુજરાતી ભણાવવાની રીત આજે પણ વિદ્યાર્થીઓના દિલો-દિમાગ પર છવાયેલી છે. ખૂબ સ્ટ્રીક્ટ ટીચરોમાં સંગીતાબેન, રંજનબેન અને વ્યાસ સરનું નામ મોખરે હતું. કોઇ એક સર હતા જે નાકમાંથી નીકળતા દ્રવ્યને ચોકના ભૂકકા સાથે મિક્સ કરીને નાની-નાની જીરાગોળી બનાવતા (ખી ખી ખી). એક ગોર સર હતા જે ટી.વી. સિરીયલ અને ફિલ્મોમાં પણ કામ કરતા હતાં.
વખતે ઘરઘરાવ ટ્યૂશન્સ ખૂબ ચાલતાં. ક્લાસેસમાં ફેમસ બે કે ત્રણ નામ યાદ કરીયે તો એમાં પારેખ ટ્યુશન ક્લાસેસ, વ્યાસ ક્લાસેસ અને જે.બી.ગોરનો સમાવેશ કરવો પડે. વખતે 'મહેતા ટ્રાવેલ્સ'ની ચારકોપ લઈ જનારી બસ એકદમ ફેમસ હતી. મને તો એમ થતું કે ચારકોપ વળી ક્યાં ગામને ખૂણે આવેલું હશે કે ત્યાંથી બસમાં આવવું પડે? પણ પછી ખબર પડી કે ઘણાં વિદ્યાર્થીઓ તો ભાઈંદર અને નાલાસોપારાથી આવે છે! આજે આપણા દરેક પાસે લેપટોપ, આઇ-ફોન, સ્માર્ટ-ફોન કે પછે આઇ-પૅડ, કિંડલ-ફાયર હશે પણ વખતે કોમ્પ્યુટરના રૂમમાં જવા માટે બધા ખૂબ ઉતાવળા થતાં. બૂટ-મોજા કાઢીને રૂમમાં જવાની કેવી મજા આવતી? વિદ્યાર્થીઓના વાલીમંડળની પણ મિટિંગો હતી જેને PTA એટલે કે 'Parents Teacher Association" તરીકે ઓળખવામાં આવતી.
નાની અને મોટી એસ.વી.પી.ના દરેક શિક્ષકો અને શિક્ષિકાઓ, સ્કૂલના પટાવાળા ભાઇઓ અને બહેનો, લાઈબ્રેરીમાં બેસતાં અને પ્રયોગશાળામાં મદદ કરતાં ટીચરો, સ્કૂલની કેન્ટીનના સભ્યો જેણે આપણને સમોસા અને વડા-પાવ ખવડાવીને ખુશી આપી, મહેતા ટ્રાવેલ્સના માલિક જેણે આપણને સમયસર સ્કૂલમાં અને ઘરે પહોંચાડ્યા, સ્કૂલની બહાર ભર-તડકામાં ચણિયાબોરજમરૂખ, આમલીના કાતરાં વ્હેંચીને જે ભૈયાઓએ આપણા બાળપણને આટલું યાદગાર બનાવ્યું લોકોનું તો સમ્માન થવું જોઇએ.
આજે મને એમ થાય છે કે આપણે વિદ્યાર્થીઓએ મળીને સ્કૂલમાં દર વર્ષે રી-યુનિયન ગોઠવવું જોઇએ? સ્કૂલ પાસે ફંડ હોય તો કોઇ વાંધો નહીં, આપણે આજે જે પણ પોસ્ટ પર છીએ એમાંથી આવા રી-યુનિયન માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી શકીએ?  જવાબ આપણે આપવાનો છે. વિચાર કરો.... (નોટઃ સન ૨૦૦૦ ના બૅચે "ગુરુ-વંદના અને સ્ટુડેન્ટ રી-યુનિયન"નો એક કાર્યક્રમ ૨૦૧૨માં કરેલો. એ પ્રસંગના ફોટા ફેસબુક પર જોઈને ઘણો આનંદ થયો.)

એવું પણ બને કે આમાં લખાયેલી બધી વાતો સાથે બધા સહમત ન પણ હોય. આ બ્લોગ દરમિયાન કોઈની લાગણી દુભાવવાનો મારો કોઈ ઈરાદો પણ નથી અને હૈસિયત પણ નથી. This is just a tribute to our school-life.

એક કવિતાથી બ્લોગની વિરામ આપું છું, જય શ્રી ક્રિસમસ!!

મારે ફરી એક વાર શાળાએ જવું છે…..
દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે.
રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે.
નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને, સુંદર અક્ષરે મારું નામ લખવું છે.
રીસેશ પડતાં જ વૉટરબૅગ ફેંકી, નળ નીચે હાથ ધરી પાણી પીવું છે.
જેમ તેમ લંચબૉક્સ પૂરું કરી.. મરચુ મીઠું ભભરાવેલ, આમલી-બોર-જમરૂખ-કાકડી બધું ખાવું છે.
સાઈકલના પૈડાંની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે.
કાલે વરસાદ પડે તો નિશાળે રજા પડી જાય, એવાં વિચારો કરતાં રાત્રે સુઈ જવું છે.
અનપેક્ષિત રજાના આનંદ માટે….મારે ફરી એક વાર શાળાએ જવું છે.
છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં, મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે.
ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળું કરીને, સાઈકલની રેસ લગાડતાં ઘેર જવું છે.
રમત-ગમતના પિરીયડમાં તારની વાડમાંના બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગી જવું છે.
તો ભાગી જવાની મોજ અનુભવવા... મારે એક વાર શાળાએ જવું છે.
દિવાળીના વેકેશનની રાહ જોતાં, છમાસિક પરીક્ષાનો અભ્યાસ કરવો છે.
દિવસભર માટીનો કિલ્લો બાંધીને પગથી તોડી, હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે.
રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી, તેમાંથી ન ફૂટેલાં ફટાકડા શોધતાં ફરવું છે.
વેકેશન પત્યાં પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા... મારે ફરી એક વાર શાળાએ જવું છે.
ગમે એવી ગરમીમાં એરકંડીશન્ડ ઑફીસ કરતાં, પંખા વિનાના વર્ગમાં બારી ખોલીને બેસવું છે.
ઑફિસની આરામદાયક ખુરશી કરતાં, બે ની સાંકડી બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે.
બચપણ પ્રભુની દેણ છે, તુકારામના એ અભંગનો અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે.
એ બરાબર છે કે નહીં એ સાહેબને પૂછવા માટે... મારે ફરી એક વાર શાળાએ જવું છે.

નાનો હતો ત્યારે જલ્દી મોટા થવું હતું....
આજે જ્યારે મોટો થયો ત્યારે સમજાય છે કે 'તૂટેલા સ્વપ્નો' અને 'અધૂરી લાગણીઓ' કરતાં 'તૂટેલા રમકડાં' અને 'અધૂરા હૉમવર્ક' સારા હતાં.
આજે સમજાય છે કે ઑફિસમાં બોસ ખીજાય છે એના કરતાં શાળામાં શિક્ષક અંગૂઠા પકડાવતા હતા એ સારું હતું.
આજે ખબર પડી કે ૧-૧ રૂપિયા ભેગા કરીને નાસ્તાનો જે આનંદ આવતો હતો એ આજે પીત્ઝા અને બર્ગરમાં નથી આવતો.
ખરેખર, મારે ફરી એક વાર શાળાએ જવું છે.