દેશમાંથી સાઢુભાઈ
આવે તેમ વેલેન્ટાઈન્સ ડે આવ્યો અને ગયો. કેટલાય નવા જોડા (ચપ્પ્લ નહીં, કપલ) બનાવતો ગયો અને કેટલાય જૂના
જોડા તોડતો ગયો. ખેર, આજે મારે થોડો ટાઈમપાસ કરવો છે.
તાજેતરમાં
એક મરાઠી ફિલ્મ ખૂબ ગાજી. ફિલ્મનું નામ "ટાઈમપાસ" પણ સ્ક્રીનપ્લે ટાઈમપાસ
નહોતો. ફિલ્મની શરૂઆતની અને છેવટની એમ બંને ફ્રેમમાં એક-એક ક્વોટ લખેલા હતા. શરૂનું
ક્વોટ હતું – There is no love like the first
(પહેલા પ્રેમ જેવો એક પણ પ્રેમ
નથી) અને છેવટનું ક્વોટ હતું – The memory of your
first love never fades away
(પહેલા પ્રેમની યાદ ક્યારેય ક્ષીણ થતી નથી). ફિલ્મની સ્ટોરી એકદમ સિમ્પલ. એક છોકરો.
નામ એનું 'દગડુ પરબ'. જીવનમાં ફક્ત બે ને માને - એક સાઈબાબા અને એક એના આઈબાબા (એટલે
મા-બાપ). ભણવામાં ઢબૂનો ઢ. સવારે ઘરે-ઘરે છાપા નાખવા જાય, બાકી આખો દિવસ આળાટોળા
ને આશિર્વાદ. એક છોકરી. સભ્ય કુટુંબની દીકરી. નામ એનું 'પ્રાજક્તા લેલે'. દેખાવે સાદી, પંજાબી ડ્રેસ
પહેરે, બે ચોટલા વાળે, એક ચોટલા પર ફૂલ લગાડે. હળવેથી બોલે, શાંત રહે, મા-બાપની બધી વાત માને,
નાચવાનું મન થાય તોયે ઈચ્છાઓને દબાવીને રાખે - આ બધાનું એક જ કારણ, પ્રાજક્તાના પપ્પા
માધવરાવ લેલે. જૂનવાણી, ખડૂસ, સિધ્ધાંતવાદી ફાધર. બોલવાની ભાષા અને પહેરવાની ભૂષા તદ્દ્ન
સ્વચ્છ, પણ પ્રેમ નામના શબ્દથી ચીડ. આમ ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ સમાન બે પાત્રો.
પ્રાજક્તાને પહેલી વાર જોઈ અને દગડુના મનમાં ફણગા ફૂટ્યા. પહેલા પહેલા પ્રાજક્તાએ ભાવ ન આપ્યો પણ જેમ જેમ છાશવારે બંને મળતા થયા તેમ
એકબીજા પ્રત્યે આકર્ષણ જામતું ગયું. પ્રાજક્તા ભણેલી હતી એટલે એનો પ્રેમનો એકરાર કંઈક
આવો હતોઃ “કાંઈ સમજાતું નથી. કાંઈક ખોવાયું હોય એવી ફિલીંગ આવે છે, મનના ખૂણેખૂણામાં
શોધ્યું પણ એ જડતું નથી. મનમાં વમળો સર્જાયા
કરે છે. હ્રદયના ધબકારા વધી ગયા છે. ગીતો ગાતી વખતે સૂર એકદમ પરફેક્ટ લાગે છે અને આંખ
બંધ કરું તો બધે તું જ દેખાય છે” દગડુને આમાં કાંઈ સમજાતું નથી. એ ફક્ત પૂછે છે કે
"આઈ લવ યુ" છે કે નથી. એમ કરતાં કરતાં તાજા ચોખ્ખા ઘીમાં ઝબોળેલી પૂરણપોળી
પ્રાજક્તાને ડેરિંગબાજ દગડુ જેવા બોંબિલ-ફ્રાયનો રંગ ચઢી જાય છે. પછી વધુ મળવાનો, સાથે
ફરવા જવાનો, લવ-લેટર લખવાનો સિલસિલો ચાલુ થાય છે અને પછી વિલન પપ્પાને ખબર પડે એટલે
બંને છૂટ્ટા પડી જાય છે.
સામાન્યતઃ
૩વર્ષે પ્લેહાઉસ, ૫ વર્ષે પહેલું ધોરણ એમ ગણો તો પંદર વર્ષે એસ.એસ.સી. અને સોળમે વર્ષે
કૉલેજ પ્રવેશ થાય. સોળ વર્ષની ઉંમર એવી હોય કે એમાં ફટાકથી પ્રેમ થઈ પણ જાય અને પાછો
તરત વરાળની જેમ ઊડી પણ જાય. સોળ વર્ષે પહેલો પ્રેમ થાય એ પ્રેમ છે કે ક્રશ એ જ ક્લીયર
ન હોય પણ એ ફિલિંગ અવર્ણનીય હોય છે. શરીરના કોષોમાં પતંગિયા પાંખો ફફડાવવા માંડે, લોહીના
એક-એક કણમાં અળસિયા હલનચલન કરવાં માંડે, કૅડબરી સિલ્ક જેવી સુંવાળી સુંવાળી ફિલીંગ્સ
આવે. બધું ગુલાબી ગુલાબી દેખાવા માંડે. એક દિવસમાં તો જગત આખું રંગીન થઈ જાય. અંધારી
રાતમાં મેઘધનુષના સાતેય રંગ દેખાવા માંડે. નાની ગટર મોટા નાળાને મળવાની હોય ત્યાં જોઈને
કહે નદી સમુદ્રને મળવા બેતાબ બની રહી છે. પેલીને મળવા માટે બેચેની વધતી જાય તો ભગવાનને
પ્રાર્થના કરે કે, 'હે ભગવાન, એક વાર એવું કંઈક કરો કે પેલી એક વાર મારી સામે જુએ'.
ભગવાન પણ આવા નવા પ્રેમીઓનો સાથ આપે અને ચમત્કાર કરે કે બંને જણ કોઈક પણ કારણસર
આમને-સામને આવી જ જાય. છોકરાને ખબર પડે કે છોકરી ક્યાં રહે છે, એના ઘરમાં કોણ કોણ છે
ત્યાર પછી એના ઘરની આજુબાજુ આંટાફેરા ચાલુ થઈ જાય. ઘરનાંવને ઈમ્પ્રેસ કરવાના બહાના
શોધવા માંડે. 'મુજસે મહોબ્બત કા ઈઝહાર કરતી, કાશ કોઈ લડકી મુઝે પ્યાર કરતી' જેવા ગીતો
ગાઈને પોતે પણ બોર થાય અને બીજાને પણ કરે. સિનેમાના ડાયલૉગ્સ તો હનુમાન ચાલીસા બોલતા
હોય એમ બોલી નાખે. જો કદાચ "એકસો તેતાલીસ"નો અર્થ ખબર ન હોય તોયે "૧૪૩"
લખીને છોકરી સાથે એના અર્થને અનર્થ કરવા (અંગ્રેજીમાં અનર્થ એટલે શોધી કાઢવું) તૈયાર
થઈ જાય. હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડ એવું કહેતાં કે,
સમંદરના
તરંગો ચાંદનીમાં લીન લાગે છે, પવનની લ્હેર પણ ઝળકી ઉઠેલી બીમ લાગે છે,
એ
કુદરત હોય કે માનવ એક સરખો છે અનુભવ આ, પ્રેમમાં હો ત્યારે બધું રંગીન લાગે છે.
અને એક વાર જો
છોકરી છોકરા પર ઇમ્પ્રેસ થઈ ગઈ પછી તો ન પૂછો વાત....પછી તો છોકરો જ્યાં જાય ત્યાં
તીર ઘૂસેલા દિલ દોરવા માંડે. પેલીને ગમે એવા ટીશર્ટ અને જૅકેટ પહેરવા લાગે. એને એમ
થાય કે સાઈકલ પર ડબલ સીટ બેસાડીને 'સોનેકી સાઈકલ, ચાંદીકી સીટ, આઓ ચલે ડાર્લિંગ, ચલે
ડબલ-સીટ' જેવા ગીતો ગાઈએ. એના દુપટ્ટાનો સ્પર્શ થાય ત્યાં તો પેલી ટૂથપેસ્ટની જાહેરાતમાં
દેખાડે એવી ઝનઝનાટી કરતાંય જોરદાર ઝનઝનાટી આખા શરીરમાં થવા માંડે. એને એમ
થાય કે આ ફૂલ, કળી, નદી, આકાશ, બાગ-બગીચા બધાને કહી દો કે મને પ્રેમનું ગાંડપણ લાગ્યું
છે. સ્વપ્નમાં લગ્ન થઈ જાય, પછી તો હું તું અને બીજું કોઈ નહીં એવી મોટી મોટી વાતો
થાય. એકબીજા પર મરી-મિટવાની કસમો ખાઈ બેસે. સાથે બરફના ગોલા ખાવા જાય અને જો કદાચ છોકરીનો
ગોલો ભૂલથી નીચે પડી જાય તો છોકરો પણ પોતાનો ગોલો પાડી દે. એકલામાં બંનેને એકબીજાની
યાદ આવશે ત્યારે શું કરશું? એના જવાબમાં એકબીજાનો ફોટો માંગે. બગીચામાં ફૂલ ગમે એ વાત
તો સમજ્યા પણ રસ્તામાં પડેલી ફૂલની પાંખડીઓ પણ ગમવા માંડે. હાસ્યકલાકાર શાહબુદ્દીન
રાઠોડે કહેલો એક ટૂચકો યાદ આવે છે: એક કંભારનો ગધેડો ખોવાઈ ગયો ત્યારે બહુ શોધ્યો પણ
જડ્યો નહીં એટલે કુંભાર એક ઝાડ પર જઈને બેઠો. એ જ ઝાડ નીચે બે પ્રેમી-પંખીડા આવીને
બેઠા. પ્રેમીએ પ્રેમિકાને કહ્યું, "પ્રિયે, અમાસના અંધકારનું કાજળ બનાવી તારી
આંખમાં આંજી દઉં, ઉષાની લાલીમાનું સિંદુર બનાવી તારી માંગમાં ભરી દઉં, આકાશમાંથી શુક્રતારિકાઓ
તોડીને તારી ભાલમાં ચોંટાડી દઉં, કે મેઘધનુષની ઓઢણી બનાવી તને ઓઢાડી દઉં, પ્રિયે, પ્રિયે,
તારી આંખમાં મને આખું જગત દેખાય છે." ત્યાં ઉપરથી કુંભાર બોલ્યો, "મારો ગધેડો
ક્યાંય દેખાય છે?" :) :) :)
ખેર,
પછી તો લવલેટર લખવાના મંડાણ થાય. આજે તો આ નેટવૂડમાં ફેસબુક, એસ.એમ.એસ., વૉટ્સ-ઍપ, ટ્વીટરથી પ્રેમીઓ કનેક્ટ થઈ જાય છે પણ લવ-લેટરની મજા જ કંઈક ઓર છે! 'પ્યાર કે કાગઝ પે, દિલકી કલમ સે, મૈંને પહેલી બાર
સલામ લિખા, મૈંને ખત મહેબૂબ કે નામ લિખા' અને 'મેરા પ્રેમપત્ર પઢકર, કે તુમ નારાજ ના
હોના...' ગીતોની જેમ પ્રેમપત્રો લખાય. બે-ત્રણ પાણીના ટીપાં પાડીને આંસુ પડ્યા હોય
એવું જણાવાય. પ્રેમને અને શાયરીને તો એક વેંત જેટલુંય છેટુ નથી.
દિલ
ના લાગે તો હું શું કરું? એક માગું ને બે મળે તો હું શું કરું?
તું
કહે તો તારે માટે ચાંદ સિતારે તોડી લાવું પણ તું બપોરે માંગે તો હું શું કરું...
આવી શાયરીઓને
પ્રેમપત્રોમાં એવી રીતે સમાવાય જેમ કે ગરમ દાળમાં કોથમીરનો ભભરો થયો હોય. સામે પક્ષે
પણ હાલત આવી જ હોય. રાત્રે છૂપી-છૂપીને બૅટરી લઈને ચાદરની અંદર પ્રેમપત્રો વંચાય. 'ફોરગેટ
મી નૉટ'વાળું કવર હોય, ઉપર ફૂલ ચોંટાડેલું હોય, અત્તરની સુગંધ આવતી હોય. આવી અદ્ભૂત
ભાવનાઓમાં ક્યારેક ભરતી હોય તો ક્યારેક ઓટ. કદાચ કંઈક અણબનાવ બને અથવા તો ઘરનાંવને
ખબર પડી જાય અને આ નવા-સવા પ્રેમી-પંખીડાઓને સંબંધ કાપી નાખવો પડે ત્યારે જોવા જેવી
થાય છે. દુઃખની વીજળી એવી પડે કે એમના દિલમાં બનાવેલા મહેલો પણ બળીને રાખ થઈ જાય. એમના
સપનાના વાવેતરનું તહેસ-નહેસ થઈ જાય. પ્રેમીઓને એમ થાય કે અમારા સપનાઓના શબ પર જ્યારે
નિરાશાનું કફન ઓઢાળાઈ રહ્યું છે, ત્યારે ઝંઝાવાતો કેમ નથી જાગતા? તોફાનો કેમ નથી સર્જાતા?
આ દિશાઓ ધૂંધળી કેમ નથી થતી? સિતારાઓ અંગારા કેમ નથી બની જતાં? મનહર મોદીની એક પંક્તિ
યાદ આવે છે કે
દિલ
તમોને આપતાં આપી દીધું, પામતાં પાછું અમે માપી લીધું
માત્ર
એક જ ક્ષણ તમે રાખ્યું છતાં ચોતરફથી તમે કાપી લીધું..
ખરી રીતે તો આવી
મુગ્ધ ઉંમરે દિલનું કંટ્રોલ હોર્મોન્સ દ્વારા થાય છે. એટલે બિચારા પ્રેમીઓ પણ શું કરે? પ્રસિધ્ધ લેખક 'જય વસાવડા'એ એક લેખમાં
લખ્યું હતું કે ઉંમરના
આ રેશમી વળાંકો પર
ડ્રીમી ડ્રીમી થવું સ્વાભાવિક
છે. માટે આવી ટીનએજમાં
ભણતી વખતે કોઈ ઈમોશનલ
અપેક્ષા વિના ફક્ત એન્જોય
કરવા માટે અને મજા
માટે રીલેશન્સ રાખશો તો ઓછા
હેરાન થવું પડશે! સમય
જતાં સંબધ મજબૂત બને
તો બહુ સરસ અને
ન બને તો વીતાવેલી
ક્ષણોને લાઈફટાઈમ મેમરીમાં રાખીને આગળ વધો.
છેલ્લે
યુ.એસ.એ.માં
રહેતા યુવા લેખક 'સાક્ષર
ઠક્કર'ની એક ફની
કવિતાની મજા લઈએ. મનુષ્યોનો
વેલેન્ટાઈન્સ ડે તો ઉજવાય
છે પણ જો પ્રાણીઓનો
પણ વેલેન્ટાઈન્સ ડે ઉજવાય તો?
ડાઘીયો કુતરો
અરીસાના ટુકડામાં જોઈ ખાતરી કરે છે કે પાંથી ફાઈન છે;
કાશીમાની પાછળ
શરમાઈને બેસેલી કુતરી ડાઘીયાની વેલેન્ટાઇન છે.
ડેટ પર પહેલા
કાગડો કાગડીને થોડી સતાવશે,
પછી કુંજામાં
થી પાણી પીધાની પોતાની ટ્રીક બતાવશે.
એક બાજુ કાગડો
બીજી બાજુ કાગડી ને કુંજામાં રેડ વાઈન છે.
ઉંટના અઢારેય
વળાંકો પર આજે ઉંટડી પુરેપુરી ફિદા છે,
એકલુ ફરવા જતું’તું
રીંછ આજે એના હાલ પણ જુદા છે;
મધપુડાના વન સુધી
આંટો મારવા માટે રીંછણોની લાઈન છે.
પાસે ચરતી હતી
એ ગાય પર બળદ મોહી બેઠો;
સાડી પહેરેલી
બિલાડી જોઈને મગર દિલ ખોઈ બેઠો,
કોઈ શિકાર નથી
થયો આજે, સિંહની ગુફાની બહાર 'ડુ
નૉટ ડિસ્ટર્બ'ની સાઈન છે.