આદિ
કવિ નરસિંહ મહેતાથી લઇને અર્વાચિન કવિઓની વાત કરીએ – એ બધામાં ‘ગુરુત્તમ
સામાન્ય અવયવ’ (ગુ.સા.અ.) એટલે કૃષ્ણ..! આમ તો કૃષ્ણ માટે દરેક ભાષામાં
કંઈકેટલુંય લખાયું છે. દરેકે પોતાની રીતે કૃષ્ણ કાનુડાને વધાવ્યો છે.
ગુજરાતી ભાષા પણ એ બાબતમાં પાછી પડે એમ નથી. કવિતાઓ, ગરબા, લોકગીતો,
શાયરીઓ, મુકતકો, જોડકણાં, વગેરે ઘણું લખાયું છે. આજે કૃષ્ણ જન્માષ્ટમીના
અવસરે કૃષ્ણ કનૈયાને ગુજરાતી ભાષાએ લડાવેલા લાડ જેવી કવિતાઓનો ઢગલો તમારી
સમક્ષ મૂકું છું - આશા છે કે તમને ગમશે! (નરસિંહ મહેતા અને મીરાંબાઈનું
લખેલું એક પણ પદ અહીં ઉમેર્યું નથી, કારણ એમને તો આખો બ્લોગ જ ડેડીકેટ કરવો
પડે, જે ભવિષ્યમાં કરીશ.)
(૧)
આજે કૃષ્ણજન્મનો પર્વ છે એટલે જે રાત્રે કૃષ્ણનો જન્મ થયો અને પછી વાસુદેવ
ટોપલામાં મૂકીને કાન-કુંવરને લઈ જાય છે એનું સરસ મધુરું વર્ણન કરતી માધવ
રામાનુજની આ કવિતાઃ
એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર,
મથુરાથી એકવાર માથે મુકીને કોઈ લાવ્યું’તું વાંસળીના સૂર…
પાણી તો ધસમસતા વહેતા રહે ને એમ ગોકુળમાં વહેતી થઈ વાતો;
એમ કોઈ પૂછે તો કહી ના શકાય અને એમ કોઈ ભવભવનો નાતો,
ફળિયામાં, શેરીમાં, પનઘટ કે હૈયામાં, બાજી રહ્યા છે નુપૂર… એકવાર યમુનામાં…
ઝુકેલી ડાળી પર ઝુક્યું છે આભ કંઈ, જોવામાં થાય નહીં ભૂલ;
એવું કદંબવૃક્ષ મહેંકે છે ડાળી પર, વસ્ત્રો હશે કે હશે ફૂલ,
પાણી પર અજવાળું તરતું રહે ને એમ, આંખોમાં ઝલમલતું નૂર… એકવાર યમુનામાં…
કાંઠો તો યમુનાનો, પૂનમ ગોકુળીયાની, વેણ એક વાંસળીના વેણ;
મારગ તો મથુરાનો, પીંછુ તો મોરપિચ્છ, નેણ એક રાધાના નેણ,
એવા તો કેવા ક’હેણ તમે આવ્યા કે લઈ ચાલ્યા દૂર દૂર દૂર… એકવાર યમુનામાં…
(૨) ઈશુદાન ગઢવીની ખૂબ જ સુંદર રચના - શું રે જવાબ દઈશ માધા? - ને લોકો આજે પણ ભૂલ્યાં નથી. શ્રી ભીખુદાન ગઢવીએ મુંબઈની મોરારીબાપુની રામકથા વખતે આ કવિતા ગાઈ હતી.
દ્વારકામાં કોઈ તને પૂછશે કે
કાના, ઓલી ગોકુળમાં કોણ હતી રાધા,
તો શું રે જવાબ દઈશ માધા?
તારું તે નામ તને યાદ નો'તું તેદિ'થી
રાધાનું નામ હતું હોઠે,
ઠકરાણાં-પટરાણાં કેટલાય હતા તો યે
રાધા રમતી'તી સાત કોઠે,
રાધાવિણ વાંસળીના વેણ નહીં વાગે
શીદને સોગંદ એવા ખાધા,
તો શું રે જવાબ દઈશ માધા?
રાધાના પગલામાં વાવ્યું વનરાવન
ફાગણ બની એમાં મહેક્યો,
રાધાના એકેકા શ્વાસ તણે ટોડલે
અષાઢી મોર બની ગહેક્યો,
આજ આઘેરાં થઈ ગ્યાં કાં રાધા ને વાંસળી
એવા તે શું પડ્યા વાંધા,
તો શું રે જવાબ દઈશ માધા?
ઘડીકમાં ગોકુળ ને ઘડીક વનરાવન
ઘડીકમાં મથુરાના મહેલ,
ઘડીકમાં રાધા ને ઘડીકમાં ગોપીઓ
ઘડીક કુબ્જા સંગ ગેલ,
હેત પ્રીત ન્હોય રાજ ખટપટના ખેલ કાન
સ્નેહમાં તે હોય આવા સાંધા,
તો શું રે જવાબ દઈશ માધા?
કૃષ્ણનો જવાબઃ
ગોકુળ વનરાવન ને મથુરા ને દ્વારકા
એ તો પંડ્યે છે પહેરવાના વાઘા,
રાજીપો હોય તો અંગ પર ઓઢીયે
નહીં તો રખાય એને આઘા,
આ સઘળો સંસાર મારા સોળે શણગાર
પણ અંતરનો આતમ એક રાધા,
હવે પૂછશો મા કોણ હતી રાધા....
(૩) સુરેશ દલાલ (સુ.દ.) આ નામ ગુજરાતી જાણનાર માટે કંઈ નવું નથી. ‘કવિતા’ દ્વિમાસિકનુ સંપાદન કરી દુનિયાભરના કવિઓની રચનાઓને એમણે જીવંત કરી હતી.
કૃષ્ણ માટેનો એમનો પ્રેમ એટલો સાચો કે એમનું દેહાંત પણ જન્માષ્ટમીના દિવસે જ
થયું હતું. એમની ખૂબ જ પ્રસિદ્ધ કવિતા - મોરપીચ્છની રજાઈ
મોરપિચ્છની રજાઈ ઓઢી
તમે સૂઓને શ્યામ, અમને થાય પછી આરામ….
મુરલીના સૂરનાં ઓશીકાં, રાખો અડખે-પડખે
તમે નીંદમાં કેવા લાગો, જોવા ને જીવ વલખે
રાત પછી તો રાતરાણી થઇ, મ્હેકી ઊઠે આમ….
અમે તમારા સપનામાં તો, નક્કી જ આવી ચડાશું
આંખ ખોલીને જોશો ત્યારે, અમે જ નજરે પડશું
નિદ્રા-તંદ્રા-જાગૃતિમાં, ઝળહળભર્યો દમામ….
(૪) આજના આ ઈન્ટરનેટયુગમાં કવિ કૃષ્ણ દવેની 'વાંસલડી ડૉટ કોમ'ને ન સમાવું તો ખોટું કહેવાય.
વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?
ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
(૫)
ઈશુદાન ગઢવીએ જ કૃષ્ણને વિચારતાં કરી મૂકે એવી બીજી કવિતા લખી છે જેમાં
રાધા અને મીરાં બંનેમાં કોણ વધુ ગમે છે એવો સીધો અને સટ્ટ પ્રશ્ન પૂંછ્યો
છેઃ
કાન તને રાધા ગમે કે ગમે મીરાં?
એકે કાળજ કરવત મેલ્યાં, એકે પાડ્યા ચીરા! કાન તને રાધા ગમે કે મીરાં?
એકે જોબન ઘેલી થઈને તુજને નાચ નચાવ્યો;
એકે જોબન ઘૂણી માથે તારો અલખ જગાવ્યો.
એકે તુજને ગોરસ પાયાં, એકે ઝેર કટોરા! કાન તને રાધા ગમે કે મીરાં?
પચરંગી પાનેતર તું વિણ રાધે કદી ન પહેર્યા;
મખમલિયો મલીર મીરાંનાં અંગે કદી ન ઓઢીયાં.
એકે ઓઢી શ્યામ ઓઢણી, એકે ભગવત લીરા! કાન તને રાધા ગમે કે મીરાં?
મલક બધાનો મેલી મલાજો રાધા બની વરણાગણ;
ભરી ભાદરી મેલી મહેલા તો મીરાં બની વીજોગણ.
એક નામની દરદ દીવાની, બીજી શબદ શરીરા! કાન તને રાધા ગમે કે મીરાં?
કીધું ક્રિષ્નએ પૂછો એટલું મળે ક્યાંય જો રાધા;
મળે ક્યાંય તો પૂછો મીરાંને કોને વહાલો માધા?
મોરે અંતર રાધા વેણુ વગાડે, ભીતર મીરાં મંજીરા! કાન કહે મારે બે સરખાં રાધા-મીરાં!
(૬) પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં - આવી સરસ રચના આપનાર હરીન્દ્ર દવેનું કૃષ્ણગીત આ રહ્યુંઃ
અમે સાંભળ્યું એ વાંસળીને વાતા નથી, કે આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.
હવે મધુવન તો જાણે કોઈ શમણાની વાત, હવે યમુનાને તીર ઝૂરે એકલી ન જાત,
વહે વાસંતી વાયરો ને શાતા નથી, આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.
ક્યાંક આછો મલકાટ જાણે ખખડે છે પાન, હોઠ ફફડે ને તોય નથી સંભળાતું ગાન,
ફૂલ ઉપવનની ભીડમાં સમાતાં નથી, આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.
(૭) આ જ હરીન્દ્ર દવે કૃષ્ણને વૃંદાવન નહીં આવું એવું કહીને કૃષ્ણ સાથે વાતચીત કરે છેઃ
ગોકુળથી ગોવર્ધન જાવું ને શ્યામ, તોય વચ્ચે વૃંદાવન નહીં આવું.
દાણતણો લેશ નથી ડર રે ઓ કાન! એમ અમથા ફુલાતા નહીં મનમાં,
બંસરીનો નાદ હવે ભૂલવે ના રાહ હવે સૂણતી એ સૂર ક્ષણેક્ષણમાં;
સંતાશો તોય નહિ શોધું, ઓ કાન, તને કહો તો એ માન પણ મુકાવું.
ફોગટના પોરસાઓ નહિ રે ઓ કાન, હવે ભૂલી પડું ન કુંજગલીએ,
સામે આવીને તમે રસ્તો રોકો તો અમે આડબીડ મારગે ઊપડીએ;
કોઈનીયે રોક, કે ન કોઈનીય ટોક
હવે મારગ મળે એમ જાવું.
અમને મિલન કેરો આવડિયો મંતર રે ખોવાયું હોય એ જ ખોળે,
દીધું’તું એથી તો કૈંક ગણું પામ્યાં, હાથ આવ્યું રતન કોણ રોળે?
જેને ગરજ હોય આવે ને સ્હાય હાથ મારે તે શીદને મૂંઝાવું!
(૮) મારી પાસે
મકરંદ દવેના ભજનરસની એક કિતાબ છે, એમણે એ પુસ્તકમાં ભજનોનો અદ્ભૂત
રસાસ્વાદ કરાવ્યો છે. એમની કૃષ્ણ માટેની આ કવિતાની પણ મજા લોઃ
માધવ, વળતા આજ્યો હો !
એક વાર પ્રભુ ખબર અમારી લેતા જાજ્યો હો !
રાજમુગટ પહેરો કે મોટા કરો ધનુષટંકાર,
મોરપિચ્છ ધરી જમનાકાંઠે વેણુ વાજ્યો હો !
અમને રૂપ હ્રદય એક વસિયું ગમાર ક્યો તો સ્હેશું
માખણ ચોરી, નાચણ પગલે નેણ લગાજ્યો હો !
રોકી કોણ શકે તમને પ્રભુ, રાખી પ્રાણ પરાણે;
જોશું વાટ, અમારા વાવડ કદી પુછાજ્યો હો !
(૯) પૂજ્ય ઈંદિરાબેટીજીના ખૂબ જ સુંદર શબ્દોમાં કાનુડાની વેદના -
રાધાની વેદના તો દુનિયા એ જાણી પણ માધવની વેદના અજાણી
હૈયા ના ગોખ મહી સાચવી ને રાખી ને હોઠ પર ક્યારેય ના આણી
રાધા એ શબ્દોના બાણ ઘણા માર્યા પણ માધવના ખોલે કંઈ વાણી
વાંસળીના સ્વરમાં પણ વહેતી ના મુકે એ, માધવ તો મનના બંધાણી
માધવની નજરો માં છાનું છાનું જોયું ત્યાં ઝાંખી એ મુજને દેખાણી
ઝળું ઝળું સાવ થતી આંખોમાં વાદળ ને વાદળમાં વેદનાના પાણી
રાધા રે રાધા આ મૂંગા તે માધવની વેદના છે તુજ થી અજાણી
તારી તે પીડાના કોચલામાં તુજને એ કદીયે ના થોડી સમજાણી?!
એક વાર માધવના મનને તું વાંચજે ખૂટશેના આંખોના પાણી
“શ્રાવણી” તો શ્રાવણના જળમાં જઈ ડૂબી કે કોણ એને બ્હાર લેશે તાણી?
(૧૦) હરીશ મિનાશ્રુ દ્વારા લખાયેલી એક અલગ રચનાઃ
મને સુક્કા કદંબનું તે પાંદડું કહે, મને ગોકુળ કહે તો તને મારા સોગંદ,
મને મોરલી કહે કે મોર પીછું કહે, મને માધવ કહે તો તને મારા સાગંદ.
કેમ કરી આંસુને ઓળખશે ભાઈ? હું તો પાણીમાં તરફડતી માછલી.
જીવતરની વારતામાં ગૂંથેલી ઘટના તો ખાલીખમ શ્રીફળની કાચલી.
જીવ સોંસરવી ઘૂઘવતી વેદનાને અમથુંયે દરિયો કહે તો તને મારા સોગંદ.
વેણુંમાં ફરફરતા આદમ ને ઇવ જાણે સૂક્કેલા પાંદડાની જાળી,
ચપટી વગાડતાંમાં ઊડી ગઇ ક્યાંક મારા ભેરુબંધોની હાથતાળી.
મને ડૂમો કહે કે ભીનું ડૂસકું કહે મને માણસ કહે તો તને મારા સોગંદ.
સંજયભાઇ
ReplyDeleteમને એક ગીત ખુબ ગમે છે જેના શબ્દો લખું છુ
વેણ વાગી.....વેણ વાગી....વેણ વાગી.....
મધુરી વેણ વાગી....
ઓલી યમુનાજીના તીરે મધુરી વેણ વાગી
હોય તો મોકલશો.
રમેશ રોશિયા 'રોશન'
rameshroshiya@gmail.com
વાહ વાહ!!
ReplyDeleteવૃંદાવનમાં વેબસાઇટ બનાવનાર કૃષ્ણ દવેને વાહ ભઈ વાહ!!
વાહ વાહ!!
ReplyDeleteવૃંદાવનમાં વેબસાઇટ બનાવનાર કૃષ્ણ દવેને વાહ ભઈ વાહ!!
વાહ ખરેખર ગમ્યું
ReplyDeleteઆભાર સંજયભાઈ 2 રચના ખૂબ જ ગમી મેં fb ઉપર શેર કરી છે.
ReplyDeleteJay hoo
ReplyDeleteખુબ સરસ
ReplyDeleteમાધવની વેદના અજાણી...