આ વ્યંગચિત્ર જોતાં તમને શું વિચાર આવે છે?
એજ ને કે 'મફત'
મેળવવા માટે લોકો હંમેશા
તૈયાર હોય છે. સાચી
વાત છે મિત્રો, કાનામાત્રા
વગરનો ફક્ત ત્રણ અક્ષરનો
આ શબ્દ ખરેખર અદભૂત છે!
આજના કાળમાં માનવીને સ્વમાન
જેવું કાંઈ છે કે
નહીં તેની શંકા થાય
છે કારણ કે દરેકને
મફતમાં લેવાની કુટેવ પડી
ગઈ છે. કામ, ક્રોધ,
લોભ, મોહ વગેરેની જેમ
મફત મેળવવાની ઇચ્છા એ આપણી
મેન્ટાલિટી બની ગઈ છે.
મફત વસ્તુ પ્રાપ્ત થતાં
માનવીને જે આનંદ મળે
છે તે ઘણીવાર રૂપિયા
ખર્ચીને ખરીદેલી વસ્તુમાંથી પણ મળતો નથી.
નાના બાળકથી માંડીને ૮૦
વર્ષના કાકા - દરેકમાં 'મફતિયાવૄત્તિ'
તો હોય જ છે
અને એ પણ જન્મજાત!
કોઈ મહેમાન કે પાડોશી
પાસેથી પિપરમિંટ કે બિસ્કિટ મળે
તો નાના બાળકના આનંદનો
પાર નથી રહેતો. ઑફિસમાં
જઈ ચાર કલાક કામ
કરી, આઠ કલાકનો પગાર
લેવો એમાં પોતે કાંઈ
ખોટું કરી રહ્યા હોય
એવો કોઈને રંજ નથી.
ઓછું કામ કરીને વધારે
લેવું એ માણસને કોઠે
પડી ગયું છે. પણ
ખરું કહું તો આ
મફતની શરૂઆત માણસે કરી
નથી. 'મફત' તો પ્રભુનું
વિધાન છે. આપણને ભગવાને
આખું બ્રહ્માંડ, હવા, પાણી, જમીન,
વનસ્પતિ, પહાડ, ઝરણાં, નદી
- આ બધું જ 'ફ્રી
ઑફ કૉસ્ટ' એટલે કે
મફત આપ્યું છે. આપણે
ત્યાં સૂર્ય અને ચંદ્ર
નામની બે મશાલો સળગતી
રહે છે પણ ભગવાને
કોઈ દિવસ એના બિલ
મોક્લ્યાં? કે આ મહિને
તમારા ઘરે સૂર્યનો અને
ચંદ્રનો જેટલો પ્રકાશ મોક્લ્યો,
એના આટલા રૂપિયા ચૂકવો
અથવા તો તમારા ખેતરમાં
આ વર્ષે ૧૦૦૦૦ લિટર
પાણીનો વરસાદ વરસ્યો એનો ૧
લિટરના ૫ રૂપિયાના હિસાબે
૧૦ તારીખ સુધીમાં મનીઑર્ડર
મોકલજો. કદાપિ નહીં!! ભગવાને
આ બધું મફતમાં આપ્યું
છે, સાવ મફત!
બજારમાં
અગાઉ શાક ખરીદતી વખતે કોથમીર,
મરચાં, આદુ મફતમાં મળતાં.
અત્યારે પણ કોઈને કોઈ
ચીજ ખરીદતી વખતે બીજી
કોઈ ચીજ-વસ્તુ મફતમાં
મળશે એવી ટી.વ્હી.ની જાહેરાતોમાં 'ઑફર
વૅલિડ ટીલ સ્ટોક લાસ્ટસ'
આવા શબ્દો જોઈને લોકો
'એક ટૂથપેસ્ટ પર એક ટૂથબ્રશ
ફ્રી' લેવા દોડી જાય
છે. ગમે તેટલા મોટા
ઑફિસર હોય, પણ કોઇ
તરફથી એક સરસ મજાની
ડાયરી અને બૉલપેન મફતમાં
મળી જાય તો પછી
પૂંછવાનું જ શું? નવું
વર્ષ શરૂ થવાનું હોય
ત્યારે કરિયાણાની દુકાનેથી કે જ્વેલર્સની દુકાનેથી
મળતા 'કૅલેન્ડર' પણ લોકોને મજા
અપાવે છે. મકરસંક્રાતિ દરમિયાન
છોકરાઓ અને કેટલીક વખત
તો વડિલો પણ 'મફત'નો પતંગ પકડવા
કેવી દોડાદોડી કરતાં હોય છે!
બિયર-બાર, ડિસ્કો, પબ અને રેસ્ટોરેંટ્સમાં સાંજે બે કલાકને 'હેપ્પી અવર્સ' ના નામે જાહેર કરે છે. આ દરમિયાન એક ડ્રિંક પર બીજું ડ્રિંક મળે છે ફ્રી ફ્રી ફ્રી! પરીક્ષા પૂરી થતાં જ ગામડાંમાં (અને કેટલાંક શહેરોમાં પણ) મા-બાપ એમના સગાંસંબંધીઓ અને પાડોશીઓ પાસેથી મફતમાં એક-એક પુસ્તક મેળવીને પોતાના બાળકો માટે અભ્યાસનાં આખા વર્ષ માટેના બધાં પુસ્તકો જમા કરી લે છે. આ સિવાયના કેટલાંક મંડળો કે ટ્ર્સ્ટો તરફ પણ નજર દોડાવે છે. ઘણાં લોકો લેખકો અને પ્રકાશકોની જૂની-નવી ઓળખાણો તાજી કરીને નમૂનાની પ્રત તરીકે મફત પુસ્તકો મેળવવામાં કુશળ હોય છે. ઘણાં વ્યસનીઓને એવો ખ્યાલ હોય છે કે વ્યસન કરવું એ સારી વાત છે પણ વ્યસનનું દ્રવ્ય ખર્ચવું એ સારી વાત ન ગણાય, માટે જે ચીજનું વ્યસન કરવું હોય તે ચીજ મફતમાં મળે તેની સુવિધા કરી લેવી. આમાં ચા, સિગારેટ, બીડી, માચીસ વગેરેનો સમાવેશ કરી શકાય. ઘેર લોકો ભલે ચા ન પીતાં હોય પણ બીજાને ત્યાં અચૂક પીવે - કોઈ વાર તો બે પ્યાલા! સિગારેટ-શોખીનો 'પ્લીઝ' કહીને હંમેશા બીજાની દિવાસળીનો જ ધુમાડો કરતાં હોય છે. પોતાના પૈસે ભલે કદી પાન ન ખાતાં હોય પણ કોઈ ખવડાવે ત્યારે સહેજે આનાકાની કરતાં નથી. મફતમાં પાનથી મુખમાં જે રસ ઉત્પન્ન થાય છે તે ખરેખર અદભૂત હોય છે! આમ મફત મેળવનારા કલાકારો છાપુ એક ઠેકાણે વાંચે છે, ચા-પાણીનો બીજે ક્યાંક પ્રબંધ કરે છે અને ઘણી વાર તો જમવાનું પણ બારોબાર જ પતાવી દે છે!
કેટલીક ગૄહિણીઓએ તો મફત મેળવવામાં પી.એચ.ડી. કરેલી હોય છે. "હમણાં મારાં 'ઈ' લઈ આવે એટલે આપી જાઉં છું" - આવું કહીને તેઓ એકાદ વાડકી સાકર, જરાક અમથું મેળવણ, એકાદ શીશો ઘાસલેટ, થોડાંક કોથમીર-મરચાં અને એવી અનેક વસ્તુઓ લઈ જાય છે અને પછી દિવસો સુધી દરવાજે ફરકતી પણ નથી. એફ-એમ રેડિયો પર રોજે-રોજ દર કલાકે નવા-નવા કોન્ટેસ્ટ ચાલુ હોય છે. ઈનામ શું? ફિલ્મની ટિકિટ કે ક્રિકેટના સ્ટેડિયમના પાસ. એ મફત મેળવવા માટે તમારે કરવાનું કંઈ જ નહીં - ફક્ત તમારા મોબાઈલ ફોનમાંથી ૩-૩ રૂપિયાવાળા વધારેમાં વધારે એસ.એમ.એસ. મોકલવાના, બસ! ઘણી વ્યાયામશાળાઓમાં પહેલાં ૭ દિવસ મફતમાં આવો, જીમનો અનુભવ કરો, જો તમને ફાવે તો આગળ ફી ભરીને ચાલુ રાખી શકો. અને હા, જો તમે કોઈને 'રીફર' કરો તો તમને ડિસ્કાઉન્ટ પણ મળે. આવી જ રીતે ફ્રી ડ્રાઈવિંગ ક્લાસ, ફ્રી સાલ્સા ક્લાસ, મફત યોગાના વર્ગો વગેરે આપણને મફતમાં મળે તેવું આપણે શોધતાં જ હોઇએ છીએ!
પણ 'ધરમની ગાયનાં દાંત ન જોવા' એવુ વિચારીને આપણે મફત મેળવવા પાછળ જે-તે વસ્તુ/સેવાની ગુણવત્તાને ઓળખી શક્તા નથી. દૂરના કોઈ થિયેટરનો મફતનો પાસ મળ્યો હોય તો ત્યાં નાટક જોવા જતાં ગાડી-ભાડાં અને નાશ્તા-પાણીનો જે ખર્ચ કરવો પડે તે કદાચ નાટકની ટિકિટના કુલ ખર્ચ કરતાંયે વધી જાય! 'તેજસ્વિની' ફિલ્મના એક દ્રશ્યમાં ગરીબોને મફતમાં પૈસાનાં સિક્કા ઉછાળીને આપવામાં આવે છે, પણ એ મેળવવા જતાં, એક ગરીબ સ્ત્રીનો છોકરો મૄત્યુ પામે છે. આપણે પણ કોઈ ગવર્નમેન્ટના માણસ પાસેથી મફતમાં કોઈ કામ કઢાવી શકાય એ પહેલાં તેની ઓળખાણ કેળવવામાં સારો એવો ખર્ચો કરી નાખીએ છીએ. ટૂથપેસ્ટ સાથે મફત મળેલાં ટૂથબ્રશથી ઘણી વાર લોકોનાં પેઢા છોલાય કે પેઢામાંથી લોહી નીકળે - ત્યારે ડૉક્ટરને આપવી પડતી ફી સહુથી વધુ મોંઘી પડે છે. આમ મફત મેળવવાની કળાથી થોડો મૄગજળ માફક આર્થિક લાભ થાય છે, પરંતુ આડકતરી રીતે એ વસ્તુની કિંમત કરતાંયે વધુ ખર્ચ કરી નાખવો પડે છે.
સાનેગુરુજી જ્યારે નાના હતા ત્યારે તેમના કોઇ સગાએ ઘરેથી જતાં તેમને આઠઆના વાપરવા આપ્યા. તેમની માતા નારાજ થઈ. સાને ગુરુજીએ બચાવમાં કહ્યું કે, "મા, મેં કાંઈ માંગ્યા ન હતા." પણ માએ રોષમાં કહ્યું, "કોઈ આપે એટલે લઈ લેવાનું? દીકરા, એક વખત મફતનું લેવાની ટેવ લાગી ગઈ તો પછી તેમાંથી લાલચ વળગે છે અને માનવીના મનમાં તે ઘર કરી જાય છે. હમેંશાં યાદ રાખજે કે મફતનું લેવાની માણસને ટેવ પડે તો પછી માનવીનું સ્વમાન હણાય છે અને જેનામાં સ્વમાન નથી તે તો એક હાલતું ચાલતું માટીનું પૂતળું છે!"
કાશ! આપણી માવતરો પણ બાળકોને સાને ગુરુજીની માતા જેવા સંસ્કારો પાડે છે અને પાડશે - મફતનું ન લેવાની વૄત્તિ તેમનામાં કેળવશે તો એક દિવસ આપણો દેશ મફતિયાવૄત્તિમાંથી બહાર નીકળશે.
No comments:
Post a Comment