Saturday, September 20, 2014

રૂઢીપ્રયોગ અને શરીરના અંગ


નાની મારી આંખ, એ જોતી કાંક કાંક, એ તો કેવી અજબ જેવી વાત છે!
નાક મારું નાનું એ સુંઘે ફૂલ મઝાનું, એ તો કેવી અજબ જેવી વાત છે!
નાના મારા કાન, એ સાંભળે દઈને ધ્યાન, એ તો કેવી અજબ જેવી વાત છે !
નાના મારા હાથ, એ તાળી પાડે સાથ, એ તો કેવી અજબ જેવી વાત છે !
આંગળી મારી લપટી, એથી વગાડું ચપટી, એ તો કેવી અજબ જેવી વાત છે !
પગ મારા નાના, એ ચાલે છાનામાના, એ તો કેવી અજબ જેવી વાત છે !
– ઉપેન્દ્રાચાર્ય

આપણું શરીર પાંચ મહાભૂતનું બનેલું છે, પણ શરીરના અંગોના નામ ભગવાને એ રીતે રાખ્યા છે કે બધુ બે અક્ષરમાં સમાઇ જાય. ઉપરથી શરૂ કરીએ તો માથુ-બે અક્ષર, વાળ-બે અક્ષર (વાળ ન હોય તો ટકો, મુંડો અને ટાલ - બધા બે અક્ષર), આંખ-બે અક્ષર, નેણ-બે અક્ષર, નાક-બે અક્ષર, કાન-બે અક્ષર, ગાલ-બે અક્ષર, જીભ-બે અક્ષર, હોઠ-બે અક્ષર, દાંત-બે અક્ષર, મોઢું-બે અક્ષર, દાઢી-બે અક્ષર, ગળુ-બે અક્ષર, ડોક-બે અક્ષર, છાતી-બે અક્ષર, દિલ/મન-બે અક્ષર, પેટ-બે અક્ષર, હાથ-બે અક્ષર, મૂઠ્ઠી-બે અક્ષર, કોણી-બે અક્ષર, નખ-બે અક્ષર, જાંઘ-બે અક્ષર, પગ-બે અક્ષર, પાની-બે અક્ષર, ફાઇનલી આખું તન-બે અક્ષર અને તનની અંદર છે એ જીવ પણ બે અક્ષરનો. આ શરીરના અંગોનું આવું (શબ્દ)પ્રદર્શન કરવાની જરૂર જણાઇ કારણ કે આપણા અંગો આપણા રોજિંદા જીવનની બોલીમાં ઘડાઇ ગયા છે. રૂઢીપ્રયોગો આપણા રોજિંદા જીવનમાં વપરાતા આવ્યા છે. આજે મારે વાત કરવી છે શરીરના એવા અવયવોની જે આપણી લોકબોલીમાં અને રૂઢિપ્રયોગોમાં દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા છે.

            આંખ એટલે શરીરની બે બારીઓ જે બાહ્યજીવનનું દર્શન કરાવે. આ આંખો જ છે જેનાથી જોબનિયું ઉલાળા મારવા માટે તત્પર બને છે. આંખમિચોલી રમવાની ઉંમરમાં સારી છોકરી જોઇ નથી કે છોકરો આંખ મારશે અને દાણા નાખશે, અને જો છોકરીની આંખ પણ છોકરા સાથે મળી જાય તો નૈનમટક્કા કરતા કરતા બંને એકબીજા સાથે આંખ લડાવશે. પ્રેમ થઇ જાય અને બંનેને થોડા સમય માટે દૂર રહેવું પડે તો એકબીજાને જોવા માટે બંનેની આંખ તરસી જાય છે. આપણને પણ ઘણી વાર એવા માણસો મળી જાય છે જે તરત જ આપણી આંખમાં વસી જાય. ઘણી વાર એવું બને કે આપણા નજીકના જ કોઇ આપણી આંખમાં ધૂળ નાખે અને પછી જ્યારે એના કરતૂત બધાની સામે આવે ત્યારે એનામાં લોકો સાથે આંખ મેળવવાની પણ હિંમત નથી હોતી. આવા લોકોને તો એવી સજા આપવી જોઇએ કે બીજી વાર કોઇની સામે ઊંચી આંખ કરીને ન જુએ. કોઇ વાર કોઇનું સારું મકાન બનતું હોય ત્યારે લોકોની ચાર આંખ થઇ જાય અને ઘરધણી લોકોની આંખે થઇ જાય. બહાર મૉલમાં ફરવા ગયા હો અને કોઇ બાળક આવીને તમારી સાથે મસ્તી કરવા લાગે ત્યારે એની સામે આંખ કાઢીને ચૂપ કરાવવું પડે છે, એના વાલીને ખબર હોય કે આપણું બાળક કોઇને હેરાન કરે છે તો પણ આંખ આડા કાન કરશે અને કંઇ બોલશે નહીં. કોઇ વાર તમે ઉઘાડી આંખથી સૂર્યદેવની સામે જુઓ તો આંખે અંધારા આવી જશે. દિકરી વિદાય વખતે કોઇ દિવસ ન રડનારો બાપની આંખમાંથી પણ શ્રાવણ-ભાદરવો વરસવા લાગે છે.

            સંતાન એટલે કુટુંબનું નાક. સારા કર્મો કરનારા સુ-સંતાનો પોતાના મા-બાપનું નાક ઊંચુ કરે છે જ્યારે ખરાબ કર્મો કરનારા કુ-સંતાનો પોતાના મા-બાપનું નાક કપાવી નાખે છે. ઘણાં લોકોને બીજાને હેરાન કરીને નાકમાં દમ કરવાની આદત હોય છે. બે જણાં પોતાની પર્સનલ વાતો કરતા હોય તો આપણે એમાં નાક ઘુસાડીને દખલઅંદાજી ન કરવી જોઇએ બલ્કે જીવનમાં નાકની દાંડીએ હેંડ્યા જાવ એટલે ભયો ભયો. ફક્ત નાગજી ('નાક'જી)ની જ વાતો કરીએ અને 'કાન'જીની ન કરીએ તો કાનજી ને ખોટું લાગે. દરેકને બોલવાનો હક છે અને દરેકની વાતને આપણે કાને ધરવી જોઇએ. એક વાર કોઇના કાનમાં વાત નાખજો પણ ધીમે રહીને કારણ કે દીવારોં કે ભી કાન હોતે હૈ. ઘણાં ને તો ત્રણ ત્રણ વાર કહીએ તોયે ન સમજાય, કદાચ એમના કાનપુરમાં હડતાલ હશે! કોઇના વિશે ખરાબ ન બોલવું અને કાન ભંભેરણી તો કરવી જ નહીં. ચલો, પોતાના કાન પકડો!
            થોડા નીચે આવીએ અને વાત કરીએ હાથની. 'હાથ'નો ઉપયોગ થતો હોય એવાં અઢળક ડાયલોગ્સ આપણે ત્યાં પણ બોલાતાં હોય છેઃ
 
'હાય, હાય! આ છોકરો તો હાથમાંથી ગયો છે'
 
'આપણા સંબંધને કારણે મારા હાથ બંધાયેલા છે, નહીં તો તને બતાવી દે'ત કે મેં હાથમાં કાંઇ બંગડી નથી પહેરી. પણ યાદ રાખ કે કાનૂન કે હાથ બડે લમ્બે હોતે હૈ એટલે ક્યારેક તો તું પોલીસના હાથમાં આવીશ ખરો!'
 
'હું જ્યારે હાથ માંગવા ગયો હતો ત્યારે જ મેં મારા સાસુને કહી દીધું હતું કે તમારી દીકરીના હાથ પીળા કરો અને મારી સાથે પરણાવી દો - તમારી દીકરીને હાથની હથેળીમાં રાખીશ! પરણ્યા તો ખરાં પણ હવે મારી વાઇફ મને હાથની આંગળીના ટેરવે નચાવે છે.'
 
'એમની સમાજમાં ઇમેજ સારી નથી એટલે કોઇ એમની જગ્યામાં હાથ નાખવા તૈયાર નથી'.
 
'રાજેશભાઇએ દુશ્મનની સામે હાથ લંબાવીને મોટી ભૂલ કરી નાખી. ક્યારેક પેલો હાથતાળી આપીને ભાગી જશે ત્યારે ખબર પડશે કે કેવા હાથના કર્યા હૈયે વાગ્યાં!'
 
'મને એવી શંકા છે કે આ કાવતરામાં એનો હાથ હોવો જોઇએ. એ એવો જીદ્દી છે કે ક્યારેય સામેથી હાથ મિલાવવા આવશે નહીં'
 
'મને ખબર છે કે આપણા હાથની વાત નથી, પણ મારી ફરજ હતી'


          પાપી પેટ પણ આપણી પાસે શું નથી કરાવતું? ઘણા દુર્જન સરકારી કર્મચારીઓ રિશ્વત ખાઇને પોતાનું પેટ ભરીને બેઠા હોય છે, અને જેને રિશ્વત ન મળે એવા લોકોને એ જ વાતનું પેટમાં દુઃખતુ હોય છે. આપણને એમ થાય કે પેટ છે કે પટારો? પણ આપણે એવું કશુંક જાણતા હોઇએ તો પેટમાં વાત રાખવી જોઇએ. મા-બાપ પણ પોતાના પેટે પાટા બાંધીને છોકરાવને મોટા કરે છે. અને છોકરાવ પગભેર થાય એટલે મા-બાપના કર્મોને ભૂલી જાય છે. પણ જ્યારે પોતાના લગ્ન થાય અને બૈરાનો પગ ભારે થાય ત્યારે યાદ આવે. આવા સંતાનોને પગે લાગીને કહું છું કે એવું ન કરતાં. બાકી જિંદગી આખી પગ તોડાવવા કરતાં સારા સંસ્કારો અને કર્મોથી મા-બાપની સેવા કરો. 
            મરણ સમયે આપણા શરીરના આ અંગોની કેવી હાલત થાય છે એનું વર્ણન સુરેશ દલાલની આ કવિતામાં સમજોઃ

આંખ તો મારી આથમી રહી, કાનના કૂવા ખાલી.
એક પછી એક ઇન્દ્રિય કહે : હમણાં હું તો ચાલી.
શ્વાસના થાક્યા વણઝારાનો નાકથી છૂટે નાતો,
ચીમળાયેલી ચામડીને હવે સ્પર્શ નથી વરતા’તો.
સૂકા હોઠની પાસે રાખો ગંગાજળને ઝાલી,
એક પછી એક ઇન્દ્રિય કહે : અબઘડી હું ચાલી.
નસના ધોરી રસ્તા તૂટ્યા લોહીનો ડૂબે લય.
સ્મરણમાં તો કાંઈ કશું નહીં : વહી ગયેલી વય.
પંખી ઊડ્યું જાય ને પછી કંપે જરી ડાળી.