પહેલો ભાઈદાસ હૉલ (વિલેપાર્લે)માં, બીજો ષણ્મુખાનંદ હૉલ (માટુંગા)માં અને તાજેતરમાં ૧૨મી જાન્યુઆરીએ ઘાટકોપરના આચાર્ય અત્રે મેદાનમાં "માતૃભાષા પર્વ"નો ત્રીજો તબક્કો પાર પડ્યો. ચાર કલાકના આ જલસામાં એવો મહેરામણ ઊમટ્યો કે લગભગ ૧૦,૦૦૦ કરતાં પણ વધુ ગુજરાતીઓએ એમાં ડૂબકી લગાવી. આમ તો આ પ્રોગ્રામનું નામ હતું - ગઝલના ગગનમાં! પણ એ ફક્ત પ્રોગ્રામ ન હતો, એ હતી માતૃભાષા વંદનની એક સલૂણી સંધ્યા. એ હતો ગુજરાત અને ગુજરાતીની ઓળખ માટેનો નમ્ર પ્રયાસ. ગુજરાતી નામના આ રતનનું જતન કરવાના અને ગુજરાતીઓને ભેગા કરવાના ઉદ્દેશ્યથી આયોજાયેલા આ પર્વ વખતે ઘાટકોપર ત્રણ ઘાટનો સંગમ બની ગયો હતો. પહેલો 'ધર્મ સંસ્કાર' ઘાટ, બીજો 'ગઝલ સંસ્કાર' ઘાટ અને ત્રીજો 'શબ્દ સંસ્કાર' ઘાટ! કહેવાય છે કે જીવનમાં જે લાવે વસંત એનું નામ સંત. આ પરિભાષાને ધ્યાનમાં રાખીને બે સંતોએ પોતાના આશિર્વાદનો પ્રસાદ ગુજરાતીઓને આપ્યો - પ્રિય મોરારી બાપુ અને રાષ્ટ્રસંત પુજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુની મહારાજ સાહેબ! 'ગઝલ સંસ્કાર'ની લ્હાણી કરવા લોકલાડીલા ગઝલ ગાયક શ્રી મનહર ઉધાસ પણ જોડાયા અને ત્યાર બાદ 'શબ્દ સંસ્કાર'ના ઘાટ પર પોતાના શબ્દોની વર્ષા કરી ચેતન ગઢવી અને સાહિત્યકાર ભીખુદાન ગઢવીએ લોકોને ભીંજવી નાખ્યા! આવો રૂડો કાર્યક્રમ હોય અને એનું સંચાલન નબળું હોય? કોઈ દિવસ નહીં. સંચાલનના બેતાજ બાદશાહ અંકિત ત્રિવેદીએ પોતાના સંચાલનની આગવી શૈલીમાં લોકોને છેલ્લે સુધી જકડી રાખ્યા!
Gazal na Gagan ma |
Bhikhudan Gadhvi and Chetan Gadhvi |
આ કાર્યક્રમની થોડી વિશિષ્ટ વાતો અને ઝલકઃ
૧. કપોળ બૅંકના ચૅરમેન કે.ડી. વોરા આ માતૃભાષાની કેડી (રસ્તો) બનાવનાર અને કાર્યક્રમના કર્તા-ધર્તા અને પ્રસ્તુતકર્તા!
૨. શ્રી મનહર ઉધાસની ગઝલોના ગગનમાં લોકો એટલા ઊંચે ઉડવા લાગ્યા અને ખોવાઈ ગયા કે ન પૂંછો વાત! એમણે રજૂ કરેલી ગઝલોઃ થાય સરખામણી તો ઊતરતાં છીએ, હું ક્યાં કહું છું કે આપની 'હા' હોવી જોઈએ, પ્રસિધ્ધ હાલરડા - 'દીકરો મારો લાડકવાયો' અને 'દીકરી મારી લાડકવાયી' , નયન ને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, વેણીભાઈ પુરોહિતની અમર રચનાઃ તારી આંખનો અફીણી અને સૈફ પાલનપુરીનો 'ઝરૂખો'!
૩. ભાષાની અને કલાની ઉપાસનાનો આવો પર્વ હોય તો એની મંચ-સજ્જા પણ એવી જ હોય ને! ગુજરાતી ફિલ્મ અને નાટ્યજગતના વિખ્યાત અને કલામાં પારંગત એવા 'છેલ-પરેશ'ની કલાનો અપ્રતિમ નમૂનો એટલે આ કાર્યક્ર્મનો મંચ. ઉપર ગુજરાતી બારાખડી (પાછળ વ્યંજન અને આગળ સ્વર)ની અક્ષરમાળા તોરણની જેમ લટકતી હતી અને પાછળની તરફ શ્રીનાથજીની છબી, દ્વારકાના જગતમંદિરની પ્રતિમા, પાલીતાણાના મંદિરની પ્રતિમા જોઈને એમ લાગતું હતું કે આ મંચ પર ઓવારી જવાય.
૪. કાર્યક્રમમાં પોતાની હાજરી આપીને પોતાના તરફથી આહુતી આપનાર સંજય ભણસાલીના માતોશ્રી લીલા ભણસાલી અને સિધ્ધ પિતા (સ્વ. અવિનાશ વ્યાસ)ના પ્રસિદ્ધ પુત્ર એવા સંગીતકાર ગૌરાંગ વ્યાસ.
૫. કાર્યક્રમમાં ત્રણ રચનાઓ રીલીઝ થઈ - મનહર ઉધાસનો નવો ગઝલ સંગ્રહ 'આશિર્વાદ', અંકિત ત્રિવેદીની વિવિધ પ્રસંગો-તહેવારો પર આધારિત નવી સી.ડી. 'ઉત્સવ ગીતો' અને અંકિત ત્રિવેદીનું નવું પુસ્તક 'ઈ વેન્ટ'!
૬. ઈશ્વરના હસ્તાક્ષર સમા સંતોએ આપેલા ધર્મ અને ભાષા સંસ્કાર (એમણે આપેલા આશિર્વચન શબ્દશઃ આ લેખના અંતમાં આલેખ્યા છે).
૭. 'મારું વનરાવન છે રૂડું, હું વૈકુંઠ નહીં રે આવું' અને 'લીલી લેંબડી રે, લીલો નાગરવેલનો છોડ' જેવા લોકગીતોની રમઝટ કરનારા ચેતન ગઢવીએ જમાવટ કરી.
૮. અંકિત ત્રિવેદીના અદ્ભૂત સંચાલનમાં એમણે કહેલી વેણીભાઈ પુરોહિતની વાતોઃ વેણીભાઈ પુરોહિત એ મૂળ ઘાટકોપરના હતાં. એ પાન ખાતી વખતે એવું કહેતાં (૧) આ પાન ખાઉં છું એટલો સમય તો ચૂપ રહેવાય છે (૨) જીવનમાં કેટલીક વસ્તુઓ થૂંકી નાખવા જેવી છે એ જેટલું આ પાન સમજાવે છે એટલું બીજું કોઈ સમજાવતું નથી.
૯. મનહર ઉધાસે ગાયેલા 'તારી આંખનો અફીણી' ગીત પછી અંકિત ત્રિવેદીએ કહેલા થોડાં રમૂજી ટૂચકાઃ ગમતી વ્યક્તિની સૌથી પહેલાં આંખો દેખાય છે, પછી ધીમે ધીમે ડોળા દેખાવાની શરૂઆત થાય છે. પહેલા એનો અવાજ ગમે અને પછી ધીરે ધીરે ઘાંટા ડેવલપ થાય છે, પછી વાસણ ખખડે એટલે ખયાલ આવે કે શું કહેવા માંગે છે. પછી તો પ્રેમ એટલો અધ્ધર થાય એટલો સધ્ધર થાય કે પૂનમ ભરવા જવું પડે. લગભગ પહેલી એનિવર્સરી માં જ 'પંખીડાને આ પીંજરું જૂનું જૂનું લાગે' એવું થવા માંડે. ગૌરાંગ વ્યાસનું એક ખૂબ જ પ્રખ્યાત ગીત છે - સાંવરિયો રે મારો સાંવરિયો. પણ લગ્ન પછી એ ગીત 'ટાબરીયો રે મારો ટાબરીયો' અથવા 'માવડીયો રે મારો માવડીયો' થઈ જાય છે, અને માવડીયાનું અંગ્રેજી થાય છે - સન માઈકા!
૧૦. સાહિત્યકાર ભીખુદાન ગઢવીને લાઈવ સાંભળવા એ જીંદગીનો લ્હાવો છે. આ કાર્યક્રમમાં એમને મળેલા સમયમાં લોકસાહિત્યની વાતોથી લોકોને તરબોળ કરી નાખ્યા. બે નવી રચનાઓ (સંધ્યાનું વર્ણન અને ભગવાન જેમ રાખે એમ રહું) અને ઝવેરચંદ મેઘાણી રચિત 'કાદુ મકરાણી'ના પ્રસંગની વાત પણ લોકોએ ઘણી વખાણી. છેલ્લે 'કસુંબીનો રંગ' ગાઈને વાતાવરણને મેઘાણીમય કરવામાં પણ તેઓ સફળ રહ્યા.
રાષ્ટ્રસંત પુજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુની મહારાજ સાહેબના મુખેથી ઝરેલા ધર્મ સંસ્કારઃ
ઘાટકોપરનું પ્રાંગણ અને માતૃભાષા પર્વ જેવો ઉત્સવ. કે.ડી.વોરાની વિનંતી અને આજનો આ વિશાળ સમુદાય. એક મા અને એક માતૃભાષા આ બે એવા છે જે જીંદગીના કોઈપણ અવસરે (ચાહે ઘર હોય કે હોસ્પિટલ) ક્યારેય ભૂલાય નહીં. તમે ચઢતા હોય ત્યારે કદાચ ન યાદ આવે કે ન આવે પણ પડો ને તો પહેલો શબ્દ 'મા' યાદ આવશે. અહિંયાથી કદાચ અમૅરિકા ગયા હોવ અને ત્યાં તબિયત બગડી હોય, ભાન-બેભાન અવસ્થામાં ડૉક્ટર કાંઈક ઈંગ્લીશમાં વાત કરે એ તમારું ભાન લાવે કે ન લાવે પણ ત્યાંનો ડૉક્ટર જો કદાચ અસ્સલ ગુજરાતીમાં એકાદો શબ્દ કહી દે તો તમે હોસ્પિટલના બૅડ ઉપર બેઠા થઈ જાઓ. કારણ કે મા અને માતૃભાષા માત્ર હોઠ સુધી નહીં, માત્ર હાર્ટ સુધી જ નહીં પણ રોમ-રોમ સુધી વણાયેલું હોય છે. અને મને બહુ આનંદ છે કે કે.ડી. એ આ માતૃભાષા પર્વ ના અલગ અલગ મણકા અલગ અલગ પરાંઓમાં યોજીને આપણને આપણી સંસ્કૃતિ સાથે, ભોમકા સાથે, ભાષા સાથે આપણા ભાવોને જોડીને એક જબરદસ્ત પુણ્યકાર્ય કરી રહ્યા છે. હંમેશા યાદ રાખો કે જ્યાં આપણને જોડતું હોય ને ત્યાં જ તાળી પાડવાનું મન થાય, જ્યાં તોડતું હોય ને ત્યાં નહીં. જ્યારે જોડે ત્યારે જ ચહેરા ઉપર હાસ્ય આવે છે, તોડે ત્યારે નહીં.
આજે ઘાટકોપરનો આ સમુદાય મા અને માતૃભાષાથી જોડાયેલો છે. મને એવું કહ્યું હતું કે ધર્મ-સંસ્કાર ઉપર તમારે પ્રવચન આપવાનું છે, પણ હું જ્યારે શરૂ કરતો હતો ત્યારે અંકિતભાઈ એ કહ્યું કે આશિર્વચન આપવાના છે. આશિર્વચન મુખવાસ જેવા હોય છે અને પ્રવચન ભોજન જેવું હોય છે, બોલો તમને શું જોઈએ છે? પ્રસાદ થોડો હોય છે અને ભોજન વધું, પણ ક્યારેક ભોજન પણ પ્રસાદ જેવું લાગે છે અને ક્યારેક પ્રસાદ પણ ભોજન જેવો. જ્યારે ધર્મ-સંસ્કારની વાત આવે ને તો આજે અહીં આવ્યા પછી હું વિચાર કરતો હતો કે ખુલ્લુ આકાશ છે અને તમે બધાં એમાં હળીમળી ગયા છો. અમારી પર કદાચ થોડી ઘણી છત છે પણ તમારી ઉપર તો આકાશને છત છે. એટલે હું હંમેશા કહું છું કે ધર્મ છે ને એ છત વગરનું આકાશ છે. કોઈ જૈન, કોઈ વૈષ્ણવ, કોઈ સ્વામિનારાયણ, કોઈ હિંદુ, કોઈ મુસ્લિમ, આ બધી આપણી ઊભી કરેલી છત છે. પણ આજે તમે આકાશની છત નીચે છો જ્યાં બધાં જ એક થઈ ગયા છે. આમાં કોઈને પૂછી નહીં શકાય કે કયા ધર્મના છો કારણ કે આકાશના છત નીચે ધર્મ એ એક શબ્દ બની જાય છે. એની આગળ લાગતી કોઈપણ ધારાઓ મહત્વની નથી. આકાશના છત નીચે જે ધર્મ છે એ ધર્મ છે મળવાનો, એકબીજામાં સમાઈ જવાનો.
આજે આ ઉપક્રમે જ્યારે આટલો મોટો ગુજરાતી સમાજ એક થયો છે ત્યારે મારે સંસ્કાર શબ્દ પર એક વાત કહીને મારે મારો પ્રસાદ પૂરો કરવો છે. એક શેઠ એના દિકરાના લગ્ન માટે અલગ અલગ જગ્યાએ કન્યાઓ કોઈ રહ્યા હતા. (હમણાં મનહરભાઈ 'તારી આંખનો અફીણી' ગાયું ત્યારે તમે પણ કોઈને યાદ કરતા હતા અને અમે પણ કોઈને યાદ કરતા હતા. તમે એને યાદ કરતા હતા જેને તમે થોડાં સમય રાખીને છોડી દેશો અને અમે એને યાદ કરતા હતા જેને અમે ક્યારેય છોડવાના નથી. બોલો, શું ફરક છે? અફીણી તમે પણ છો અને અમે પણ છીએ.) દિકરાને એક કન્યા બહુ ગમી ગઈ. દિકરાએ કહ્યું કે હું આની સાથે જ લગ્ન કરીશ. પિતાએ છોકરીનું બેકગ્રાઉન્ડ ચેક કર્યું. તપાસ કરતાં કરતાં ખબર પડી કે એ દિકરીની ફઈએ કૂવો પુર્યો હતો એટલે આપઘાત કરેલો હતો. શેઠને જ્યાં ખબર પડી કે આ પરિવારમાંથી એક દિકરીએ વર્ષો પહેલાં આપઘાત કર્યો હતો, એમણે દિકરાને બોલાવીને કહ્યું કે આ ઘરની દિકરી લાવવા જેવી નથી. દિકરાએ જીદ કરી કે મને જે ગમી ગઈ છે ને એ જ મને જોઈએ છે. કરીશ તો એની સાથે નહીં તો કોઈની સાથે નહીં કરીશ. (બધાના લકમાં એવું હોતું નથી. ઝંખેલું મળતું નથી અને મળ્યું એ કદી ઝંખેલું હોતું નથી.) દિકરાને જીદ સામે શેઠ હારી ગયા અને બંનેના લગ્ન થયા. વર્ષો વીતી ગયા અને શેઠને બિઝનેસમાં ખોટ ગઈ. ત્રણેય દિકરાને બોલાવ્યા અને કીધું કે તમારી પાસે જે દાગીનો છે એની જરૂર છે. બે મહિના જો સચવાઈ જશે તો તમને બધાને પાછું બધું કરી આપીશ. બે દિકરાની વાઈફે કહી દીધું કે હા અમે આપવા તૈયાર છીએ. પણ જે ત્રીજી હતી ને એની પાસે જ્યારે ડિમાન્ડ કરી ત્યારે એણે કહ્યું કે ના હું મારા પિતાના ઘરેથી જે લાવી છું એ હું નહીં આપુ. શેઠે એને સમજાવી કે અત્યારે જરૂર છે, તું ચિંતા નહીં કર, થોડા સમય પછી તને આપી દઈશ. જ્યારે વધારે આગ્રહ કર્યો ત્યારે એણે જવાબ આપ્યો કે તમે મને વધારે આગ્રહ કરશો તો હું કૂવામાં પડીને મરી જઈશ. શેઠે એક સૂચક નજરથી પોતાના દિકરાને સામે જોયું.
સંસ્કાર છે ને એ આપણી રગે-રગમાં ખૂણા-ખૂણામાં ક્યાંક પડેલા હોય છે, અને સંસ્કાર સામાન્ય પરિસ્થિતિમાં બહાર નીકળે કે ન નીકળે પણ કોઈક એવી સ્થિતિમાં બહાર નીકળે છે. અને એટલે જ ધર્મ જો આપણો સંસ્કાર બની જાય તો આપણ આંતરિક હ્રદયમાંથી ક્યારેક તો બહાર આવશે જ! એને લાવવો ન પડે, એ તો કુદરતી આવી જાય. આજે ખુલ્લા આકાશની નીચે કે.ડી. ને આશિર્વાદ આપું કે આવા સત્કાર્યો તમારા થકી હંમેશા હંમેશા થયા રહે.
પ્રિય મોરારી બાપુએ આપેલો ધર્મ સંસ્કારનો પ્રસાદઃ
સંબોધન પછી કરું પણ એના પહેલા હું મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું કે માતૃભાષા તરફ અનુરાગનું દર્શન કરાવવા માટે આટલા ગુજરાતીઓ ભેગા થયાં? આ ગુજરાતીની સ્મશાનયાત્રામાં નથી આવ્યાં, ગુજરાતીની જીવનયાત્રામાં આવ્યા છે. ખૂબ જ પ્રસન્નતા હું વ્યક્ત કરું છું અને આવો રૂડો અવસર ઊભો કરવા માટે આ જેટલા નામો અહિંયા છે, જેટલા આદરણીય મહાનુભાવો છે એ બધાને હું આદર-પૂર્વક ધન્યવાદ આપું છું. કળાની વિધવિધ વિધાના ઉપાસકો અહીંયા બેઠા છે, એમણે ગુજરાતી ભાષાને કેન્દ્રમાં રાખીને જે આ ઉત્સવમાં પ્રાણ પૂર્યો છે એ વિદ્યાના ઉપાસકોને પણ મારા નમન!
આપ સહુ ભાઈ-બહેનો, જથ્થાબંધ બોલવાનું હોય ત્યારે હું બેસીને બોલું છું, કથા જથ્થાબંધ હોય. પણ આવું રીટેલ બોલવાનું હોય, ત્યારે ઊભા ઊભા બોલું છું જેથી મને ખબર પડે કે મારે કથા નથી કહેવાની પણ નાનકડું પ્રવચન કરવાનું છે. બાપ! માતૃભાષા માટે આટલો અનુરાગ, એને સલામ છે. આ ત્રીજું પર્વ, અને હજી બીજા બે યોજાવા જઈ રહ્યા છે, કે.ડી. ભાઈએ મને કહ્યું, એ આવનારા અવસરોને અત્યારથી જ વધાવું છું અને એને કોઈની નજર ન લાગે એટલે મારી કાળી શાલને અડી એને કાળું ટપકું કરું છું. શાસ્ત્રમાં પર્વ માટે ચાર વસ્તુ તરફ નિર્દેશ છે. પર્વ તમે કોને કહેશો? પર્વ મીન્સ શું? શાસ્ત્રની પરિભાષામાં પર્વના ચાર સ્તંભ છે. આ તમારા વખાણ કરવા માટે નથી કહેતો. તમારા વખાણ કરવાનું મારી પાસે કોઈ કારણ નથી. આ તમે મને શાલ આપો એટલે મારે લેવી પડે છે પણ શાલેય હવે કેટલી લઉં. હમણાં કચ્છથી આવ્યો, મનહરભાઈ, એટલી શાલ મળી કે હું નલગાજરડામાં શાલની એક કેબિન કરું તો ચાલે. અને શાલ હું જોઉંને ત્યાં મને કિંમતની ખબર પડવા માંડે, એટલો નિષ્ણાંત થઈ ગયો છું કે આ પશ્મીના છે, કે રફ છે કે સ્મૂથ છે, શું છે એનો મને ખ્યાલ આવે.
પણ ગુજરાતી માતૃભાષા પર્વને આશિર્વાદ આપવા માટે અહીં પધારેલા પૂજનીય નમ્રમુનીજી પોતાની વ્યસ્તતાને લીધી અહીંથી ગયા, એમણે જે ધર્મલાભ આપ્યો હશે, જે પ્રસન્નતા વ્યક્ત કરી હશે, એમને પણ હું પ્રણમું. પર્વની ચાર વિધાઓ છેઃ
૧. પર્વ એવા સમારંભને કહી શકાય જ્યાં પવિત્રતા પ્રથમ હોય. અને સાહેબ, માતૃભાષા પવિત્રતા વગર નહીં ટકે. એમાં ભેળસેળ નહીં ચાલે. હમણાં જ વડિલો એવી ચિંતા વ્યક્ત કરતાં હતાં કે આમાંથી સિત્તેર ટકા લોકોના પુત્રો, પૌત્રો, દીકરીઓ બધાં ઈંગ્લીશ મિડિયમમાં ભણે છે. અને એ ટાળી શકાય એવું નથી. પરંતુ જાગૃત થવું જરૂરી છે. હું તો એટલી જ વિનંતી કરું કે સારું જે ભણવું હોય તે ભણે પણ કમ-સે-કમ, કમ-સે-કમ, કમ-સે-કમ ઘરમાં તો મજબૂતીથી એવો એક નિયમ કરો કે ગુજરાતી ભાષામાં જ બોલાવું જોઇએ, તો જ આપણે ગુજરાતી ભાષાની સેવા કરી કહેવાશે એટલે જ્યાં પવિત્રતા હોય ત્યાં પર્વનો માંડવો રોપાય છે.
૨. ઈ માંડવામાં પ્રાવિણ્ય હોવું જોઇએ. અને આમાં પ્રવીણ છે જ. આ હું એનું નામ લેવા માટે નથી કહેતો પણ પ્રાવિણ્ય વગર કોઈપણ પર્વ સફળ ન થાય. કુંભના પર્વો યોજાય છે પ્રવીણતાના અભાવે અને શતકો માણસોના મોત થાય છે. ક્યારેક નાળું તૂટે, ક્યારેક ધક્કા-મુક્કીમાં કો'ક...અને બાવાઓ ગુજરે એનો વાંધો નહીં કારણ કે એને તો જીવતા જ મોક્ષ હોય પણ એની સાથે જો શ્રધ્ધાળુઓ ડૂબી જાય એ ખોટનો ધંધો છે. એટલે આયોજનની પ્રવીણતા એ પર્વનો બીજો સ્તંભ છે.
૩. ત્રીજો થાંભલો છે કે જેમાં આપણા પૂર્વસૂર્યનું સ્મરણ હોય. મોહનદાસ કરમચંદ ગાંધીથી લઈ મેઘાણી સુધી. એમાં ગુજરાતીમાં જેણે ગાયું હોય, જેણે કમ્પોઝ કર્યું હોય, ગુજરાતી નાટ્યસંસ્થા, નૃત્યસંસ્થા, કોઈપણ હોય! અને કે.ડી. સાહેબે વિનુભાઈને બહુ યાદ કર્યા. હું રાજી થયો - વાણી તારા પાણી! પૂર્વસૂર્યમાં પછી એ ઋષિમુનિ હોય, આપણા સમાજના જોઇ સજ્જન હોય કે કોઈપણ હોય, એનું સ્મરણ જરૂરી છે. વૃક્ષ બહુ ઊંચું થઈ જાય ને ત્યારે એને માટીની સુગંધ નથી આવતી. ડાળોને એ ગમે છે કારણ કે એને વૃક્ષની સાથેનો સંબંધ ગમતો નથી પણ એ ભૂલી જાય છે કે મૂળિયાં અહીંયા છે. આ મારા શબ્દો નથી પણ એક ગઝલના શબ્દો છે. જાવેદ અખ્તરની ગઝલનો એક શેર એવો છેઃ
मुझे पामाल रास्तों का सफर अच्छा नहीं लगता,
मुझे दुश्मनों से भी खुद्दारी की उम्मीद रहेती है।
सर कीसी का भी हो, कदमोंमें अच्छा नहीं लगता।
દુશ્મન હોય તોયે શું? કોઈના પગમાં માથું રગડાવવાનું આવે એ મને જરાયે ગમતું નથી, એવું જાવેદસા'બ કહે છે. અને પૂર્વસૂર્યોનું સ્મરણ અહીંયા થઈ રહ્યું છે. ૧૫-૧૫ દિવસથી એક જણ આમાં ઊભા રહીને કામ કરે છે, આ વડીલો, આ બધાંય, કે.ડી. ભાઈ થોડાં નાદુરસ્ત છે પણ હજી તો...વેશમાં એવો ને એવો છે. કપોળ બૅંકના ચૅરમેન! (પાછળ જોઈને બાપુ કોઈને પૂછે છે - છે ને હજી?) વાહ, વાહ! બુઢાવો છોડે છે કે ક્યાં એને? અને એ જરૂરી છે સાહેબ! હું તો કહું છું કે જેણે સમાજ માટે કાંઈક કરવાનું હોય એને ઘરડા થવાની છૂટ નથી. ભીખુદાનભાઈ, ચેતનભાઈ, ગૌરાંગભાઈ, આ બધાં જ સંગીતકારો, છેલ-પરેશની વાત કરી - આ બધાંને અસ્તિત્વ વૃધ્ધ થવાને છૂટ નથી આપતું. નહીં, તમે વૃધ્ધ ન થઈ શકો, સાહેબ, ધારો તોયે! તમારે કાયમ યુવાન રહેવું પડે!
૪. ચોથો અને આખરી, માંડવાનો આ ચોથો થાંભલો છે કે કોઈ પણ રીતે, કોઈ પણ રીતે, પરંપરાનું જતન! મારી એક બહું સીધી-સાધી પરિભાષા છે. હું પરંપરાનો માનનારો માણસ છું પણ પ્રવાહી પરંપરા, જડ નહીં. પથ્થર થઈ ગઈ હોય એ નહીં. ગંગા વહેતી રહે તો આપણા મેલ ધોશે પણ એ જ ગંગાના પાણીનો બરફ કરશો તો કપડાં ફાડી નાખશે. પરંપરા જ્યારે જડ બને છે ત્યારે નુકસાન કરે છે અને જ્યારે એ પ્રવાહી હોય છે ત્યારે પુણ્ય કમાવી આપે છે.
આ માતૃભાષા પર્વમાં ભગવદકૃપા ગણો, પણ ચારેય વસ્તુ મહેસૂસ થાય છે, અનુભવાય છે એનો મને રાજીપો છે. માતૃભાષા માટે મારી એક વાત છે એ કહીને પૂરું કરું. આપણે ત્યાં ચાર પુરુષાર્થ છે. આ મેં ઘણી વખત કહેલું છે પણ ફરી વખત રિપીટ કરું છું. અમુક વસ્તુ રિપીટ કરવામાં વાંધો નહીં, આને પુનરુપ્તી દોષ કહેવાય. આપણે જાત્રામાં ગયા હોય અને બહુ આનંદ આવ્યો હોય તો એની પુનરુપ્તી કર્યાં જ કરીયે. જેને ત્યાં જઈએ ત્યાં એ જ વાતો કર્યા કરીયે - બહુ આનંદ આવ્યો, બહુ આનંદ આવ્યો. અને બહુ દુઃખી થયા હોય તોયે પુનરુપ્તી કરતાં હોઈએ કે મરી ગ્યાં આ વખતે તો!! સત્યનારાયણની કથામાં એક જણને વારંવાર પ્રસાદ લેવાની ટેવ એટલે પુનરુપ્તી કર્યા જ કરે. જમણા હાથે પ્રસાદ લે અને પછી ઈ પાછળ કરીને ડાબા હાથ આગળ કરે. પ્રસાદ મળતો હોય તો પુનરુપ્તી કરવામાં વાંધો નહીં પણ ખોટ પણ જાય. એક વખત એમ કરવા ગયો ને જમણા હાથમાં પ્રસાદ લઈ પાછળ રાખ્યો અને ડાબો હાથ પ્રસાદ લેવા આગળ કર્યો તો સામે પ્રસાદ ખૂંટી ગ્યો અને પાછળ ગલૂડીયું ખાઈ ગ્યું! એવો ખતરો આમાં નથી એટલે બાપ, પુનરુપ્ત કરી રહ્યો છું.
આપણે ત્યાં ચાર પુરુષાર્થ છે - ધર્મ, અર્થ, કામ અને મોક્ષ! મહારાષ્ટ્રમાં રહેતા લોકો માટે મરાઠી ભાષા, બંગાળમાં રહેતાં લોકો માટે બંગાળી ભાષા, હિંદપટ્ટાને હિંદી ભાષા, બિહારીઓને બિહારી ભાષા, કાશ્મીરની ઉર્દૂ ભાષા, જે જે પ્રાંતની જે ભાષા હોય એ આપણા ચતુર્પુરુષાર્થનો પહેલો પડાવ છે ધર્મ. આપણી ભાષા એ આપણો ધર્મ છે માટે ગુજરાતી ભાષા એ આપણો ધર્મ છે. ધર્મનો સંબંધ કપડાં સાથે છે એ વાત જુદી છે પણ ધર્મનો સંબંધ જીસ્મ સાથે નથી, રુહ સાથે છે, આત્મા સાથે છે. જેમ ગુજરાતી આપણો ધર્મ છે એમ હિંદી એ આપણો સાર્થક અર્થ છે. હિંદીનો મહિમા ન હોત તો રામચરિતમાનસનું શું થાત? મૈથિલીશરણનું શું થાત? માટે હિંદી એ આપણો સાર્થક અર્થ છે. આલોચનાની રીતે નથી કહેતો પણ અંગ્રેજી કામ છે - એટલે કામની ભાષા! આપણા ઘરમાં કામ કરે એને આપણે આદર આપીએ છીએ. એને સવાયો પગાર આપીએ છીએ. ઉત્સવે-ઉત્સવે બે જોડી કપડાં વધારે આપીએ, એમ અંગ્રેજીને સાચવો પણ એ છે તો કામની ભાષા! કાયમ એની ટીકા કર્યા કરવી એ ડાહ્યા માણસને શોભે નહીં. મને કોઈક અંગ્રેજીમાં બોલે તો બહુ સરસ લાગે, હું રાજી થાઉં પણ આટલું જેને અંગ્રેજી આવડતું હોય એ જો ગુજરાતીમાં વાત કરે તો મને એના ચરણસ્પર્શ કરવાની ઈચ્છા થાય. શાબાશ! ધન્ય છે. તે તારી જનેતાને યાદ કરી છે, માતાને વંદન કર્યા છે. તો ગુજરાતી ધર્મ છે, હિંદી સાર્થક અર્થ છે, અંગ્રેજી કામ છે અને સંસ્કૃત મોક્ષ છે!
મોક્ષ સુધી પહોંચાય તો સારું, ન પહોંચાય તો વાંધો નહીં. કામની ભાષા સુધી પહોંચાય તો સારું, એનેય આપણે કુટુંબના સભ્યની જેમ જ રાખીએ છીએ. સારી વસ્તુ છે. હિંદી ભાષાનો મહિમા સાર્થક રીતે થવોજ રહ્યો પણ ગુજરાતે તો આપણો સ્વધર્મ એ, સાહેબ! ભગવદ્ગીતા કહે છે કે સ્વધર્મમાં તો મરવું ભલું પણ પરધર્મમાં ન જવાય. આ ફક્ત ગુજરાતી ભાષા માટે નહીં, મેં એટલા માટે જ બધી ભાષા ગણાવી. કોઈ પણ પ્રદેશ હોય, એની માટે એની ભાષા એ એનો સ્વધર્મ છે.
અસ્મિતાપર્વના ચાર થાંભલાની વચ્ચે આવો આપણે ચાર ફેરા ફરી લઈએ. હું ફરીથી મારો રાજીપો વ્યક્ત કરું છું. આમ તો મારે સાડા આઠે નીકળી જવાનું હતું પણ પ્રોગ્રામને આઘોપાછો ન કરી દે તો પ્રેમમાં શું બળ્યું છે. મને અંકિતે કહેલું કે બાપુ તમે અડધો કલાક આવો. આ બધા સાથે બેઠો અને મને વધારે લાભ મળ્યો. અને મારી એક પરિભાષા છે કે બધા લાભ શુભ નથી હોતા, પણ બધામાં નાનકડું શુભ એ મોટામાં મોટો લાભ હોય છે. મને આ લાભ મળ્યો છે એ આલોચના ના અર્થમાં નથી કહેતો પણ આ વડીલોએ શુભ સત્કર્મો કર્યા છે એ અર્થમાં કહું છું. એમણે ભાષાની વંદના કરી છે, આવાં પર્વો થતાં રહે. અને આટલા ભાઈ-બહેનો એમાં રસ લે છે. ખબર નહીં કે શું થવા બેઠું છે. હમણાં ભાનુશાળીના ફંક્શનમાં જઈને આવ્યો, ત્યાં જ્યાં જુઓ ત્યાં માણહ, માણફ અને અહીંયા એ જુઓ તો.... એક થાળી ફેંકો તો ઉપરથી નીકળી જાય એવી રીતે તમે બેઠા છો, શાંતિથી સાંભળો છો, પણ ગુજરાતે કોઈ દિવસ અર્થ વગર સાંભળે? પણ તમારામાંય ક્યાંક માતૃવંદનાનો પવિત્ર ભાવ પડ્યો છે, બાપ! એ ભાવને પ્રણમું છું, રાજીપો વ્યકત કરું છું. ભલે થોડું મોડું થયું પણ માતૃભાષાની વંદના કરવા માટે, એમાં એકાદિ પ્રેમાહુતિ આપવા માટે સમય આપવો પડે એ તો મારો થાક ઉતારનારી વસ્તુ છે, સાહેબ!
એક શેર કહીને પૂરું કરું:
बडा अजीब है सिलसिला उसकी महोब्बत का...
न उसने कैद में रखा, ना हम फरार हो पाये।
Morari Bapu addressing entire Gujarati Samaj (Photo courtesy: Gujarati Mid-day) |
છેવટે, આવો
અલૌકિક પ્રસંગ
કરવા માટે
પ્રવીણ છેડા,
પ્રવીણ દોશી
અને પ્રકાશ
શેઠનો આભાર!
સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી - ઊમાશંકર જોષી